પુરતા રોપાં તમારી પાસે નથી, મિશન મિલીયન થ્રી ટ્રી કેમ્પેઈન સફળ બનાવશો કેવી રીતે, મ્યુનિ.કમિશનર
ગાર્ડન વિભાગ પાસે મિશનને લઈ પ્લાનિંગ કે રોડમેપ પણન હોવાની કમિશનરની ટકોર
અમદાવાદ,બુધવાર,5 જુન,2024
પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસથી અમદાવાદ મ્યુનિ.ના મિશન
મિલીયન થ્રી કેમ્પેઈન સફળ બનાવશો કેવી રીતે એવો સવાલ મ્યુનિસિપલ કમિશનરે ડીરેકટર
એન્ડ પાર્કસને કરવો પડયો હતો.વ્યાપક સ્તર ઉપર શહેરના ગ્રીન કવરમા વધારો કરવા જયારે
અભિયાન શરુ કરો છો તેમ છતાં ગાર્ડન વિભાગ પાસે મિશનને લઈ પ્લાનિંગ કે રોડમેપ તૈયાર
નથી એવી ટકોર પણ તેમણે કરવી પડી હતી.
દસ જૂનથી ચોમાસાની સીઝન શરુ થવાની આગાહી કરવામા આવી છે.આ
બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા મ્યુનિ.ના વિવિધ
વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી.ઈજનેર વિભાગના અધિકારીઓને આડેહાથ લેતા તેમણે
અગાઉ વારંવાર સુચના આપવા છતાં કેચપીટ તથા મેનહોલના ડિસિલ્ટીંગને લઈ યોગ્ય
કાર્યવાહી કરાઈ નહિં હોવાની નોંધ સાથે તેમણે દક્ષિણ ઝોનમાં નબળી કામગીરી કરાઈ
હોવાની ટકોર કરી હતી.પાંચ જૂનથી અમદાવાદ મ્યુનિ.દ્વારા મિશન મિલીયન થ્રી કેમ્પેઈન
શરુ કરવામા આવ્યુ છે.આ અભિયાન હેઠળ સેન્ટ્રલ વર્જ સહિતની જગ્યા ઉપર કયાં કેટલા
રોપા કઈ રીતે રોપવામા આવશે એ સહિતની અન્ય માહિતી તેમણે ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન
પાસે માંગતા તેઓ માંગેલી માહિતી કમિશનરને આપી શકયા નહોતા. મ્યુનિ.કમિશનરે એક તબકકે
ત્યાં સુધી કહેવુ પડયુ હતુ કે,તમે
રહેવા દો તમારાથી નહિં થાય.પ્લાન્ટેશન અંગે ઝોનમા પુછવામા આવે તો ઝોનવાળા કહે કે,ગાર્ડન વિભાગને
પુછો.ગાર્ડન વિભાગને પુછવામા આવે તો એવો જવાબ અપાય છે કે,ઝોનમાં પુછો. આમ
કેવી રીતે ચાલી શકશે.એમ કહી મ્યુનિ.કમિશનરે ડીરેકટર પાર્કસની ઝાટકણી કાઢી હતી.
પબ્લિસિટી વિભાગ કોન્ટ્રાકટરો માટે કામ કરતો હોય એમ લાગે છે
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથેની બેઠકમાં પબ્લિસિટી
વિભાગના અધિકારીને પણ આડે હાથ લીધા હતા.પબ્લિસિટી વિભાગ દ્વારા મ્યુનિ.ના કોઈપણ
કાર્યક્રમ માટે સૈધ્ધાંતિક મંજૂરી માંગવામા આવે છે એ સમયે જે અંદાજીત ખર્ચ
બતાવવામા આવે છે એ કરતા જયારે કાર્યક્રમ અંગેનુ ફાયનલ બિલ મંજૂરી માટે મુકવામા આવે
છે ત્યારે આ રકમ ઘણી મોટી હોય છે.પબ્લિસિટી વિભાગ કોન્ટ્રાકટરો માટે કામ કરતો હોય
એમ લાગે છે એવી ટીપ્પણી પણ તેમણે કરી હતી. પબ્લિસિટી વિભાગ દ્વારા કેટલાક મળતીયા
કોન્ટ્રાકટરોને રોશની.મંડપ,સ્ટેજ
અને લાઈટીંગ જેવી કામગીરી માટેના કોન્ટ્રાકટ આપવામા આવતા હોવાની બાબત
મ્યુનિ.કમિશનરના ધ્યાન ઉપર આવતા પબ્લિસિટી વિભાગના અધિકારીનો ઉધડો લીધો હતો.