અમદાવાદમાં રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો, પહેલાં દિવસે જ 160 સામે ફરિયાદ
Wrong Side Driving Fine in Ahmedabad: અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુંદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં ઓવી છે. ત્યારે શનિવારે (22મી જૂન) પહેલાં દિવસે જ અમદાવાદમાં 160 વાહન ચાલકો ગુનો નોંધવામાં આવ્યો છે. આ લોકોએ જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશને જવુ પડ્યું હતું. ત્યારે આજે (23મી જૂન) આ ડ્રાઈવનો બીજો દિવસ છે. આજે સવારથી જ પોલીસ દ્વારા અલગ અલગ પોઇન્ટ પર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને રોંગ સાઈડ આવતા અનેક લોકોને પકડીને ફરિયાદ નોંધવામાં આવી છે.
10 દિવસ માટે ખાસ ડ્રાઇવનું આયોજન
અમદાવાદ ટ્રાફિક પોલીસે 22મી જૂનથી 10 દિવસ માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહનચાલકો મોટી મુશ્કેલી મુકાશે. આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ સીધી જ એફઆઇઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે.
આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારાઓ સામે IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોંગ સાઇડમાં ડ્રાઇવ કરનારા માટે ખાસ ચેતાવણી છે કે જો રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આવતીકાલથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો. નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.