Get The App

સોમનાથમાં મેગા ડિમોલિશન સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ, બન્ને પક્ષને જરૂરી દસ્તાવેજ રજૂ કરવા નિર્દેશ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
સોમનાથમાં મેગા ડિમોલિશન સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ, બન્ને પક્ષને જરૂરી દસ્તાવેજ રજૂ કરવા નિર્દેશ 1 - image


Demolition in Gir Somnath: સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા મેગા ડિમોલિશનની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઈ હતી. જેમાં સરકાર અને અસરગ્રસ્ત પક્ષ વચ્ચે દલીલો ચાલી હતી. જસ્ટિસ સંગીતા વિશેણે સરકારપક્ષને કેવી રીતે કાયદાકીય પ્રક્રિયા અનુસરી ડિમોલિશનની કાર્યવાહી કરી તે બતાવવા નિર્દેશ કર્યો છે. તો અસરગ્રસ્ત પક્ષને પણ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અને સરકાર કઈ રીતે કાયદાનું પાલન નથી કર્યુ તે બતાવવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આજે (પહેલી ઑક્ટોબરે) થશે.

સરકારના દાવો કાયદાકીય પ્રક્રિયા અનુસરવામાં આવી છે

સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની કાર્યવાહીને પડકારતી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઈ હતી. જેમાં સરકારના સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સોમનાથ પંથકમાં રાતોરાત મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરી ગેરકાયદે રીતે કેટલાક બાંધકામો, ધાર્મિક સ્થાનો સહિતના બાંધકામ તોડી નંખાયા છે. જેમાં હાજી મંગરોલીશા પીર, ઈદગાહ સહિતના સ્થળોએ પણ બુલડોઝર ચલાવી અનેક ધાર્મિક સ્થળો-બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા છે. 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાય તેવી વકી, હજુ પંચની કાર્યવાહી બાકી


રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જરૂરી કાયદાકીય અનુસર્યા વિના ગેરકાયદે રીતે આ ડિમોલિશનની કાર્યવાહી કરી છે. સરકારે આવા દબાણો કે બાંધકામો દૂર કરતાં પહેલાં તેમને સાંભળ્યા જ નથી અને કોઈ અધિકૃત હુકમ વિના જ ગેરકાયદે ડિમોલિશન કરાયું છે. સરકારપક્ષ તરફથી બચાવ કરાયો હતો કે, સત્તાવાળાઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં અસરગ્રસ્તોને 12-9-2024ના રોજ નોટિસ જારી કરવામાં આવી હતી અને જેમાં 19મીએ સુનાવણી રાખવામાં આવી હતી. જો કે, એ દિવસે અસરગ્રસ્તો તરફથી મુદત લેવાઈ હતી. બાદમાં 27મીએ ફરી સુનાવણી હતી અને એ જ દિવસે હુકમ થયા મુજબ, ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. 

અરજદારપક્ષે વાંધો લીધો હતો કે, તા.27મીએ તેઓને સુનાવણીની તક અપાઈ જ નથી અને આવો કોઈ હુકમ પણ થયો નથી. સત્તાવાળાઓએ તેઓને વિશ્વાસમાં લીધા વિના કે હુકમની જાણ કર્યા વિના જ બારોબાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.

88 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, સોમનાથ-વેરાવળ રોડ પર હાજી માંગરોલીશા મસ્જિદ ખાતે ટોળાએ ડિમોલિશનની કામગીરીમાં અવરોધ ઊભો કરી સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરતાં રેવન્યુ વિભાગના સ્થાનિક મામલતદાર શક્તિસિંહ પરમારે પ્રભાસપાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 88 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો.

સોમનાથમાં મેગા ડિમોલિશન સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ, બન્ને પક્ષને જરૂરી દસ્તાવેજ રજૂ કરવા નિર્દેશ 2 - image


Google NewsGoogle News