Get The App

વિશ્વ પ્રવાસન દિવસ: છેલ્લા 8 મહીનામાં 15.40 લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી

વર્ષ-૨૦૨૨માં ૩.૬૩ લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
વિશ્વ પ્રવાસન દિવસ: છેલ્લા 8 મહીનામાં 15.40 લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી 1 - image



અમદાવાદઃ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ-૨૦૨૨માં ૩.૬૩ લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે.(World Tourism Day) એટલું જ નહીં, વર્ષ-૨૦૨૩માં માત્ર ૮ મહિનામાં જ ૩.૫૩ લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે.(foreign tourist) અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા ૧ લાખને પાર પહોંચી છે, તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.(Gujarat  tourism) કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. 

૨૦૨૧માં માત્ર ૧૧,૩૧૯ વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા

આંકડાઓ મુજબ વર્ષ-૨૦૨૧માં માત્ર ૧૧,૩૧૯ વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા, જેમની સંખ્યા વર્ષ-૨૦૨૨માં ૧૭.૭૭ લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ-૨૦૨૩ના પ્રથમ ૮ મહીનામાં જ ૧૫.૪૦ લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે.વર્ષ-૨૦૨૨માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૮૫ લાખ ૯૦ હજારથી વધુ હતી, જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૧૭.૭૭ લાખથી વધુ હતી. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ પૌરાણિક, ઐતિહાસિક, હેરિટેજ તથા ધાર્મિક-આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાહસિક પ્રવાસન સ્થળોમાં થઈ રહેલા વધારા તથા રાજ્ય સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓના પગલે વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બનીને ઉપસી રહ્યું છે. 

૨૦૨૨માં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

રાજ્યમાં વર્ષ ૨૦૨૧ કરતાં ૨૦૨૨માં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ભારે વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં માત્ર ૧૧,૩૧૯ પ્રવાસીઓએ ગુજરાતની સહેલ માણી હતી, પરંતુ કોરોના કાળ સમાપ્ત થતાં જ ગુજરાત આવેલ વિદેશી પ્રવાસીઓની સંખ્યા લગભગ ૧૫૭ ગણી વધી ૧૭ લાખ ૭૭ હજાર ૨૧૫ થઈ ગઈ.રાજ્યમાં વિદેશી પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં ૧૨ મહીનામાં ૧૭.૭૭ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતાં કે જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૩માં પ્રથમ આઠ મહીના એટલે કે ઑગસ્ટ-૨૦૨૩ સુધી જ આ આંકડો ૧૫.૪૦ લાખ પર પહોંચી ગયો છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓના મનપસંદ ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ટોચના સ્થાને છે. 

વિદેશી પ્રવાસીઓ માટે અમદાવાદનું નજરાણું બન્યુ

વર્ષ ૨૦૨૩માં ડિસેમ્બર સુધી અમદાવાદ આવનાર વિદેશી પ્રવાસીઓનો આંકડો ગત વર્ષના ૩.૬૩ લાખના આંકડાને આંબી જશે.  તેવી જ રીતે વર્ષ સાબરમતી રિવરફ્રન્ટ પણ વિદેશી પ્રવાસીઓ માટે અમદાવાદનું નજરાણું બન્યુ છે, કારણ કે ગત વર્ષની સરખામણીમાં અહીં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૨માં ૬૭ હજાર વિદેશી પ્રવાસીઓએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ ૨૦૨૩માં ઑગસ્ટ સુધી આ આંકડો ૧ લાખ ૭ હજાર ૯૬૯ ઉપર પહોંચી ગયો છે. એટલે કે સાબરમતી રિવરફ્રન્ટની વિદેશીઓમાં લોકપ્રિયતામાં બમણો વધારો થયો છે.  રાજ્યના અન્ય મહત્વના પ્રવાસન સ્થળોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા પ્રવાસન સ્થળો પણ વિદેશી સહેલાણીઓ માટે પસંદગીના સ્થળો બની રહ્યા છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News