જંગલ જંગલ બાત ચલી હૈ: ગુજરાતમાં સિંહો સાથે અન્યાય, પ્રાકૃતિક રહેઠાણ માટે જમીન ઓછી!
World Lion Day 2024: 10મી ઑગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી વન વિભાગ અને સરકાર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ ઘરેણાં સમાન સિંહો અનેક પીડાથી અકળાઈ રહ્યા છે. સરકાર સિંહ અને વાઘ પ્રત્યે અલગ-અલગ વલણ અપનાવે છે. જેમાં સિંહોને સતત અન્યાય થઈ રહ્યો છે.
ભારતમાં વર્ષ 2022ની ગણતરી મુજબ 3882 વાઘની વસ્તી સામે તેમને માટે ટાઇગર રિઝર્વની કુલ 78 હજાર ચોરસ કિ.મી. જમીન ઉપલબ્ધ બનાવવામાં આવેલી છે, જ્યારે બિચારા સિંહો માટે માત્ર પાંચ જ અભયારણ્યનો મળીને કુલ માત્ર 1930.66 ચોરસ કિ.મી. વિસ્તાર જ છે. સરેરાશ કાઢીએ તો એક વાઘ માટે 20.092 ચોરસ કિ.મી. વિસ્તારનું મોકળું જંગલ છે. જ્યારે એશિયાનું ઘરેણું એવા સિંહ માટે સાવજ દીઠ માત્ર 2.86 ચોરસ કિ.મી. જંગલ જ નસીબે લખાયું છે.
આ પણ વાંચો: આજે વિશ્વ સિંહ દિવસ : ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી 120 દિવસથી પડદાવાળા પાંજરામાં કેદ
વન વિભાગ અને સરકાર સિંહોની વસ્તી વધી હોવાનું ગૌરવ લઈ સૌરાષ્ટ્રના નવ જિલ્લાના 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહો વસવાટ કરતા હોવાનું સ્વીકારે છે, પરંતુ તેમાંથી માત્ર 7 ટકા વિસ્તાર જ કે જે અભયારણ્ય છે તે સિંહો માટે સુરક્ષિત જાહેર કરાયેલો છે. આ સિવાયના 93 ટકા વિસ્તારમાં સિંહો અસલામત ગણાય એવી હાલત છે. વાઘની જેમ જેમ વસ્તી વધે તેમ તેમ તેના માટે ટાઇગર રિઝર્વની સંખ્યા પણ વધતી જાય છે, જ્યારે ગુજરાતમાં પણ સિંહોની વસ્તી વધી રહી હોવા છતાં વર્ષ 2008 પછી આજ દિન સુધી એકપણ નવું અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું નથી. ઉલ્ટાનું જે જંગલની જમીન છે તેમાં પણ ઘટાડો કરી ત્યાં સફારી પાર્ક બનાવવાના આયોજન થઈ રહ્યા છે.
સિંહોને નવું જંગલ આપવાના કોઈ ઠેકાણા નથી. પરંતુ જેને સિંહોનું અંતિમ નિવાસ સ્થાન માનવામાં આવે છે તેવા સાસણ ગીરની આસપાસ કોંક્રિટનું જંગલ ઊભું થઈ ગયું છે. સરકાર સિંહોને બદલે પ્રવાસનને વધુ મહત્ત્વ આપવાની ઘેલછામાં સાસણ આસપાસના અનેક ગેરકાયદે બાંધકામો સામે મીઠી નજર રાખી રહી છે. સિંહોને જંગલ છોડી બહાર શા માટે આવવું પડ્યું? તે દિશામાં કોઈ વિચારણા કરવામાં આવતી નથી.
સિંહ જંગલની બહાર વસવાટ કરી રહ્યા છે
ખુદ વન વિભાગ કહે છે કે જેટલા સિંહો છે તેમાંથી મોટાભાગના સિંહો જંગલની બહાર વસવાટ કરી રહ્યા છે. જંગલની બહાર સિંહો માટે અનેક આફતો સતત મંડરાયેલી રહે છે, જેમાં ખુલ્લા કૂવા, વીજ કરંટ, રેલવે ટ્રેક, રોડ અકસ્માત, ઝેરી પદાર્થ, પજવણી, રોગચાળો સહિતના અનેક જોખમો સામેલ છે. અવાર-નવાર સિંહો આવી આફતોનો ભોગ બની રહ્યા છે અને વન વિભાગ તેમાં વામણો પૂરવાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નવી 162 સરકારી સ્કૂલો શરૂ કરવા સરકારની મંજૂરી, ભરતી અંગે પણ કરી મોટી જાહેરાત