વિશ્વ રક્તપિત્ત દિવસ : સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે રક્તપિત્તના 2500થી વધુ દર્દી
image : Freepik
અમદાવાદ,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2027 સુધીમાં રક્તપિત્ત મુક્ત બનાવવાની જાહેરાત કરેલી છે. જોકે, આ લક્ષ્યાંક હાંસલ કરવો હાલના તબક્કે મુશ્કેલ જણાઇ રહ્યો છે. આવતીકાલે 'વિશ્વ રક્તપિત્ત દિવસ' છે ત્યારે રક્તપિત્તના દર્દીઓની સંખ્યા ચિંતાનો વિષય છે.
રક્તપિત્ત સ્પર્શથી ફેલાતો નથી, જેટલી વહેલી સારવાર તેટલા ઝડપથી સાજા થઇ શકાય છે ઃ ડોક્ટર
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર મહિને સરેરાશ 10થી 12 નવા અને 190 જૂના કેસ નોંધાય છે. આમ, સોલા સિવિલમાંથી જ દર વર્ષે રક્તપિત્તના 2500થી વધારે દર્દી સામે આવે છે. ગુજરાતમાં હાલ રક્તપિત્તના દર્દીઓનું પ્રમાણ સરેરાશ 10 હજાર દર્દીએ 0.4 છે. રાજ્યમાં હાલ આદિવાસી વિસ્તાર, અત્યંત ગીચ વસતી ધરાવતા રહેણાંકમાં રક્તપિત્તના દર્દીઓ વધારે જોવા મળે છે. રકતપિત્ત માઇક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઇપણ ઉંમરે સ્ત્રી અથવા પુરૂષ એમ બંને જાતિને થઇ શકે છે. શરીરના કોઇપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુઃખાવો ન થવો તે રક્તપિત્તના લક્ષણો છે. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના સ્કિન વિભાગના ડો. ધ્યેય શાહ, ડો. વ્યોમા મહેતા, ડો. કિંજલ સંકેસરાએ જણાવ્યું કે, 'ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો. પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. રક્તપિત્ત અડવાથી ફેલાતો હોવાની માન્યતા તદ્દન ખોટી છે. સંક્રમક રોગ હોવા છતાં પણ અડવાથી, હાથ મળાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી. રક્તપિત્તના દર્દીએ લક્ષણ જણાતાં ઝડપથી સારવાર કરાવી જરૂરી છે. જેમ સારવાર વહેલી શરૂ કરાવાય તેમ ઝડપથી સાજા થઇ શકાય છે. રક્તપિત્ત હોય તે દર્દીના ઘરે બાળક હોય તો ખાસ તકેદારી રાખવી જોઇએ.