આજે ગુજરાતી ભાષા દિવસ : અંગ્રેજીની મોહમાયામાં ભાષા ભૂલાઇ, આ રહી વિસરાયેલા શબ્દોની યાદી
World Gujarati Language Day 2024: 'સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે...' 'જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત...' જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આજે 191મી જન્મજયંતી છે. તેમની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 24 ઓગસ્ટની ઉજવણી 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે કરવામાં આવે છે.
આજે કવિ નર્મદનો 191મો જન્મદિવસ
સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે માત્ર 53 વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. 24 ઓગસ્ટ 1833માં જન્મેલા આ કવિએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો છે. નર્મદે લખેલી આત્મકથા 'મારી હકીકત' એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે. નર્મદ પોતાની આત્મકથામાં લખે છે કે, 'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો... મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારું સારું સારું હો કૈં નરસું હો, લોકને પસંદ પડો કૈં ન પડો...'
આ પણ વાંચો: 1 લી સપ્ટેમ્બરથી ભાવનગર જિલ્લામાં 21 મી પશુધન વસતી ગણતરી હાથ ધરાશે
ગુજરાતી સાહિત્યમાં નર્મદના નામના આજે વાવટા ફરકે છે
નર્મદે 1851-52માં 'સ્વદેશહિતેચ્છુ' નામક સંસ્થાના ઉપક્રમે 'જ્ઞાનસાગર'નામનું સાપ્તાહિક શરૂ કરેલું, પણ તેને વધારે પ્રતિસાદ નહીં મળતાં 1864માં 'ડાંડિયો' પાક્ષિક શરૂ કર્યું. નર્મદે નિખાલસતા, સચ્ચાઈ, નિર્ભયતા અને પૂરી ગંભીરતાપૂર્વક પત્રકારત્વની પ્રવૃત્તિ કરેલી હતી. ગુજરાતી સાહિત્યમાં નર્મદના નામના આજે વાવટા ફરકે છે. ગુજરાતી ભાષા માટે તેમણે પોતાની જાતને ઘસી નાખી હતી. તેમ કહેવામાં અતિશયોક્તિ નહી ગણાય.
ગુજરાતી ભાષાના શબ્દકોશ નર્મકોશ તૈયાર કરવા નર્મદે વર્ષો આપ્યા
1870ના દાયકામાં કોઈએ જ્યારે કલ્પના સુદ્ધા નહીં કરી હોય ત્યારે નર્મદે ગુજરાતી ભાષાના શબ્દકોશ બનાવવાનું કામ હાથમાં લીધું હતું. આઠ વર્ષના પરિશ્રમ બાદ એ જમાનામાં તેમણે 25 હજારથી વધુ શબ્દો સાથેનો શબ્દકોશ તૈયાર કર્યો હતો. અલબત્ત, ગુજરાતી ભાષાની એ ખાસિયત કહો કે નબળાઈ પણ સાંપ જેમ કાંચળી બદલે તેમ સમયાંતરે: આ ભાષા નવા શબ્દો અપનાવી લે છે.
અનેક શબ્દો સાવ વિસરાઈ ગયા
ગુજરાતી ભાષામાં પણ હાલ અનેક એવા શબ્દો જે વિસરાઈ ગયા છે અને તેનું સ્થાન અન્ય શબ્દોએ લઇ લીધું છે. જેમાં શિરામણ, , વાળુ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. રાત્રિના ભોજન માટે વાળુ જ્યારે સવારના સમયના નાસ્તાને શિરામણ કહેવામાં આવે છે. હવે આ શબ્દોને સ્થાને મોટાભાગના લોકો ડિનર, બ્રેકફાસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે.