વડોદરાના સમા તળાવ પાસે એબેકસ સર્કલ પર ઓવર બ્રિજની કામગીરી ચાલુ
Vadodara Corporation : વડોદરામાં સમા સાવલી રોડ ઉપર ઊર્મિ સ્કૂલથી થોડે દૂર સમા તળાવ (એબેકસ સર્કલ) ઉપર નવો ફ્લાય ઓવર બ્રિજ બનાવવા સંદર્ભે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં બ્રિજના પાઈલીંગની કામગીરી ચાલી રહી છે. બ્રિજનું કામ શરૂ થતા શુક્રવારથી બે વર્ષ સુધી દૂમાડ ચોકડીથી અમિત નગર સર્કલ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે. ભારે અને હળવા વાહનોને એક્સપ્રેસ-વે તરફ જવા વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરી ડાયવર્ઝન અપાયું છે. આ સ્થળે દરખાસ્તમાં મંજુર થયા મુજબ હાલની સ્થિતિએ 56.56 કરોડનો બ્રિજ બનશે. જો કોઈ ડિઝાઇનમાં સુધારા વધારા થાય તો ખર્ચમાં પણ ફેરફાર થઈ શકે છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2019-20 ની 270 કરોડની ગ્રાન્ટમાંથી પાંચ બ્રિજ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંનો આ એક બ્રિજ છે. સી.આર.આર.આઈની ભલામણ અનુસાર નિયુક્ત સલાહકાર દ્વારા સ્થળ સ્થિતિનો સર્વે કર્યા બાદ આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરી હતી. હાલમાં 30 મીટરની પહોળાઈ ધરાવતા રોડ ઉપર વિશ્વામિત્રી બ્રીજ (ઉર્મી બ્રીજ) તરફના એપ્રોચની લંબાઈ 250 મીટર છે, જ્યારે સમા કેનાલ (નેશનલ હાઇવે) તરફના એપ્રોચની લંબાઈ 270 મીટર છે. સમા તળાવ જંકશન (એબેકસ સર્કલ) ઉપર 40 મીટર સ્પાન,7.50 મીટરના બે કેરેજ-વે વગેરે બનાવવામાં આવશે. બ્રીજની નીચેના ભાગમાં 16.80 મીટર પહોળાઈમાં પાર્કીંગ (પેવર બ્લોક સહ), બ્રીજની બંન્ને તરફ 5.60 મીટરના સર્વીસ રોડ અને 1 મીટર પહોળાઇમાં ફુટપાથ (પેવર બ્લોક સહ) બનાવાશે.