22 દિવસમાં 4,000 કિ.મી. ચારધામ યાત્રા પૂર્ણ કરનાર દેશની પ્રથમ ગુજરાતી મહિલા બાઈક રાઈડર
Chardham Yatra On Bike: લાઈફમાં હંમેશા પ્રોબ્લેમ્સ તો રહેશે જ અને વ્યસ્તતા પણ રહેશે આ બધાની વચ્ચે પોતાના માટે હંમેશા સમય ફાળવવો જોઈએ.” આ શબ્દો છે 39 વર્ષીય રચનાબહેન વોરાના. દરેક વ્યક્તિ વિવિધ પ્રકારનાં શોખ ધરાવતાં હોય છે પરંતુ ઘણીવાર જવાબદારીઓ પૂરી કરવામાં વ્યક્તિ પોતાના શોખ માટે સમય જ નથી ફાળવી શકતા નથી ત્યારે કેટલાંક લોકોના જીવનમાં ઘણીવાર એવા સંજોગો ઊભા થાય છે કે જે વ્યક્તિની લાઈફને તદ્દન બદલી નાંખે છે. નરોડા વિસ્તારમાં રહેતા રચનાબહેનનાં જીવનમાં પણ કેટલીક પરિસ્થિતિઓ એવી સર્જાઈ કે જેમણે તેમનું જીવન બદલી દીધું અને તેઓ સોલો બાઈક રાઈડર બની ગયા અને સાથે જ તેમાં ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.
આ વિશે રચનાબહેને કહ્યું કે, ‘ઘણીવાર આપણા જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી ઊભી થાય છે કે જે આપણને નવું જીવન આપે છે. મારા જીવનમાં પણ એક સમય એવો આવ્યો જ્યારે મને હાયપરટેન્શન, ડાયાબિટીસ, સ્ટ્રેસ વગેરે ઈશ્યુ હતા તેથી ડૉક્ટરે મને મનગમતી એક્ટિવિટી કરવાની સલાહ આપી ત્યારબાદ મેં વિવિધ જગ્યાએ ફરવા જવાનું નક્કી કર્યું. પહેલાં હું ટ્રાવેલિંગ કરતી પરંતુ પછી મને વિચાર આવ્યો કે, મને બાઈક રાઈડિંગનો શોખ છે તેથી બાઈક શીખી. હું 15 વર્ષથી સોલો રાઈડ કરું છું. મેં ગુજરાતના વિવિધ સ્થળો, રાજસ્થાન, કાશ્મીર, કન્યાકુમારી, તમિલનાડુ, વારાણસી સહિતના સ્થળોની મુલાકાત બાઈક રાઈડિંગ મારફત લીધી છે. અત્યાર સુધીમાં મેં પોણા બે લાખ કિમી જેટલી બાઈક રાઈડ કરી છે. આ સાથે જ, મેં આઝાદી કા અમૃત મહોત્સવ અંગર્ગત એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં દેશભરમાંથી 75 બાઈકર્સ જોડાયા હતા અને તેમાં 10 જેટલી ફિમેલ બાઈક રાઈડર હતી. આ 10 મહિલાઓમાં મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.”
ચારધામની યાત્રાનું મહત્વ જાણી સોલો રાઈડ કરી
ચારધામની યાત્રાના મહત્વ વિશે આપણે જાણીએ જ છીએ અને દરેક વ્યક્તિને ચારધામની યાત્રા કરવાની ઈચ્છા હોય છે ત્યારે મેં પણ વિચાર્યું કે હું પણ ચારધામ યાત્રા તો કરીશ પરંતુ બાઈક રાઈડ કરીને અને માં 22 દિવસમાં 4000 કિમીના અંતર સાથે આ યાત્રા પૂર્ણ કરી હતી.