યુવતીના એકાઉન્ટમાં રૂપિયા બે કરોડનું કાળુ નાણું મોકલીને વ્હાઇટનું કરાવ્યું!
જાણીતી સ્વામીનારાયણ સંસ્થાના અગ્રણી પર ગંભીર આરોપ
યુવતીને ગોતા વિસ્તારમાં રહેવા માટે ફ્લેટ આપીને શારિરીક સંબધો પણ બાંધ્યાનો આરોપઃ ત્રણ વર્ષ પહેલાં યુવતી નોકરી શોધમાં અમદાવાદ આવી હતી
અમદાવાદ,બુધવાર
શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને જાણીતી સ્વામીનારાયણ સંસ્થામાં હિસાબોનું કામ સંભાળતા એક વ્યક્તિએ એક મહિલા સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપ્યા બાદ એક મકાન રહેવા માટે આપ્યું હતું. ત્યારબાદ તેને વિશ્વાસમાં લઇને મહિલાના બેંક એકાઉન્ટમાં બ્લેકના નાણાંને મોકલીને તેને વિવિધ બેંક એકાઉન્ટમાંથી રોકડથી ઉપાડીને અઢી વર્ષમાં બે કરોડ રૂપિયા જેટલા નાણાંની ગેરકાયદે હેરફેર કર્યાની વિગતો સામે આવી છે. એટલું જ નહી પણ મહિલા સાથે નિયમિત રીતે શારિરીક સંબધો પણ બનાવ્યા હતા. જો કે તે વ્યક્તિ પરિણીત હોવાની જાણ થતા મહિલાએ પ્રેમ સંબધ કાપતા તે વ્યક્તિએ મહિલાને ગેરકાયદે નાણાંકીય વ્યવહારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
આ સમગ્ર મામલે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે દિલ્હીમાં રહેતી એક જાનવી (નામ બદલેલ છે) નામની મહિલા ત્રણ વર્ષ પહેલા નોકરીની શોધમાં અમદાવાદ આવી હતી. જ્યાં ગોતા વિસ્તારમાં રહેતા એક પ્રકાશ પટેલ (નામ બદલેલ છે) સાથે તેની મુલાકાત થઇ હતી. થોડા દિવસમાં પ્રકાશ પટેલે જાનવી સાથે મિત્રતા કેળવીને તેને પ્રપોઝ કરીને પ્રેમ સંબધ બાંધ્યો હતો. સાથેસાથે લગ્નની ખાતરી આપી હતી. જાનવીને અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા ન હોવાથી ગોતા વિસ્તારમાં તેના જાણીતા વ્યક્તિનો ફ્લેટ પણ ભાડેથી અપાવ્યો હતો. એટલુ જ નહી જાનવીને રહેવાનો ખર્ચ પણ પોેતે ઉપાડશે તેમ કહીને વિશ્વાસમાં લીધી હતી. આ દરમિયાન તેણે જાનવી સાથે નિયમિત રીતે શારિરીક સંબધ બનાવ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ બાદ જાનવીને વિશ્વાસમાં લઇને તેને કહ્યુ હતું કે તે ગોતા અને ઘાટલોડિયામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં હિસાબોનું કામ સંભાળે છે. આ સંસ્થામાં ગેરકાયદે નાણાંનું નિયમિત રીતે દાન આવે છે. જેેને કાયદેસરના કરવા જરૂરી છે. જેથી આ નાણાં તે જાનવીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અલગ અલગ એકાઉન્ટમાં મોકલીને નાણાં ચેક થી ઉપાડીને મેળવતો હતો.
બીજી તરફ જાનવીને જાણ થઇ હતી કે પ્રકાશ પરિણીત છે અને તેના સાળાને સમગ્ર બાબતે ખબર પડી હતી. જેથી જાનવીએ સંબધ કાપીને નાખવાની વાત કરતા પ્રકાશે તેને ધમકી આપી હતી કે તેણે તેના એકાઉન્ટમાં ગેરકાયદે નાણા ટ્રાન્સફર કર્યા છે અને આ બાબતે કેસ થશે તો તે ફસાઇ જશે. જેથી જાનવી ડરી ગઇ હતી. આમ તેણે અઢી વર્ષમાં અંદાજે બેે કરોડ રૂપિયાની રકમ ટન્સફર કરી હતી.
જો કે એક મહિના પહેલા કંટાળીને જાનવીએ તેની સાથે સંબધ કાપતા તેણે ધમકી પણ આપી હતી. આ મામલે એક પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જાનવીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે એકવાર પ્રેગન્સી રહી જતા તેણે હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. આ સમયે પતિ તરીકે પોતાનું નામ લખાવ્યું હતું. સાથેસાથે મહિલાને ડર છે કે પ્રકાશે તેના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજ મેળવીને અન્ય બેંક એકાઉન્ટ ખોલીને મોટાપ્રમાણમાં ગેરકાયદે નાણાં ટન્સફર કર્યા હોવાની શક્યતા છે. આ મામલે તપાસ કરવામાં આવતે તો અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.