મારી સાસુની ફરિયાદ પહેલા કેમ લખી, સોલા પોલીસ સ્ટેશનમાં મહિલાની તોડફોડ
પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર, કીબોર્ડ અને સીપીયુ ટેબલ પરથી નીચે પછાડ્યું
સાસુ વહુનો ઝગડો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને મહિલાએ ઉશ્કેરાઈને પોલીસ સ્ટેશન માથે લીધું હતું
અમદાવાદઃ શહેરમાં સાસુ અને વહુ વચ્ચે થયેલો ઝગડો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સાસુ, વહુ અને પતિ ફરિયાદ નોંધાવા માટે આવ્યા હતાં. ત્યાં પોલીસે ઈજાગ્રસ્ત સાસુને સારવાર માટે સોલા સિવિલમાં મોકલવા સારવાર યાદી લખી આપી ત્યાં વહુ ગુસ્સે થઈ અને મારી સાસુની ફરિયાદ પહેલા કેમ લીધી તેમ કહીને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી અને મહિલા પોલીસ કર્મીને વર્દી ઉતરાવી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે વહુ સામે સરકારી કામમા રૂકાવટ દાખવવા બદલ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલાએ સાસુને ઈજાગ્રસ્ત કર્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ કાજલબેન સહિતના કર્મચારીઓ ઈન્વે રૂમમાં હાજર હતાં. આ સમયે ગોતાથી ડો. ચારૂ શર્મા નામની મહિલા ફરિયાદ નોંધાવવા માટે ઈન્વે રૂમમાં આવી હતી. આ દરમિયાન તેની સાસુ અને પતિ પણ સાથે આવ્યા હતાં. ડો. ચારુએ તેમની સાસુને હાથના ભાગે ઈજા પહોંચાડી હતી અને તેમને લોહી નિકળતુ હોવાથી પોલીસે તેમને સોલા સિવિલમાં સારવાર કરાવવા માટે સારવાર યાદી લખી આપી હતી. ત્યાં આ ચારૂ શર્માએ કહ્યું હતું કે, તમે મારી ફરિયાદ પહેલા લેવાની જગ્યાએ મારા સાસુની ફરિયાદ કેમ લખો છો.
પોલીસ સ્ટેશનમાં મહિલાએ તોડફોડ કરી
આ ડો. ચારૂ શર્માએ ગુસ્સે થઈને ફરિયાદ લખનાર મહિલા પોલીસ કર્મીને કહ્યું હતું કે, તારૂ નામ બોલ તારી વર્દી ઉતરાવી દઈશ. આમ કહીને ઈન્વે રૂમમાં વીડિયો ઉતારવા લાગી હતી. જેથી પોલીસે વીડિયો ઉતારવાની ના કહેતા તેણે ઝપાઝપી શરૂ કરી હતી. તેણે આ રૂમમાં રહેલા સરકારી કોમ્પ્યુટર, કિબોર્ડ તથા સીપીયુને ટેબલ પરથી નીચે નાંખી દીધું હતું. તે ઉપરાંત તેણે ઈનવે રૂમમાં કોવિડ પ્રોટેક્શન માટે લગાવેલ કાચના ફ્રેમ પર જોરથી કીબોર્ડ પછાડ્યું હતું. તેણે ટેબલ પર રાખેલા સરકારી કાગળો પણ નીચે નાંખી દીધા હતાં. જેથી પોલીસે તેની સામે સરકારી કામમાં રૂકાવટ કરવા બદલ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.