નરોડામાં પુત્ર સાથે માતાએ કરેલા આપઘાતનો કેસ, પોલીસકર્મી પતિ સહિત સાસરિયાઓની ધરપકડ
Suicide Case in Ahmedabad : અમદાવાદના નરોડા વિસ્તારમાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા ખુલાસો થયો કે, સાસરીયા પક્ષ હેરાન કરતા હોવાથી મહિલાએ પુત્ર સાથે આત્મહત્યા કરી હતી. પુત્રવધુ માનસિક રીતે બિમાર હોવાની વાત સાસરીયાઓ ઉપજાવી કાઢી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે નરોડા પોલીસે મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માતા-પુત્રનો આપઘાતનો મામલો
મળતી માહિતી મુજબ, નરોડના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબહેન વાણીયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. વિરાજબહેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મહિલાને તેના સાસરિયાઓ હેરાન કરતા હતા અને તેના કારણે જ મહિલાએ આપઘાત કર્યો હતો. સાસરિયાપક્ષે એવી વાત ઉપજાવી કાઢી હતી કે તેમની પુત્રવધુ માનસિક રીતે અસ્થિર હતી અને એટલે આત્મહત્યા કરી છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિવારજનો સહિત પડોશીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. મહિલાએ સાસરિયાના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની માહિતી મળતા, નરોડા પોલીસ દ્વારા મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી.