થલતેજ એક્રોપોલીશ મોલ પાસે મહિલા વકીલનો અપહરણ બાદ છુટકારોઃ બે સામે ફરિયાદ
અમદાવાદ,તા.22 ઓક્ટોબર 2022,શનિવાર
એસજી હાઈવે પર થલતેજમાં આવેલા એક્રોપોલીશ મોલ પર વાતચીત કરવાના બહાને બોલાવી મહિલા વકીલનું પૂર્વ પ્રેમીએ અપહરણ કર્યું હતું. આરોપી મહિલા વકીલને સરખેજ રેલ્વે સ્ટેશને છોડીને તેના મિત્ર સાથે ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે બે યુવકો વિરૂદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
યુવતીએ પ્રેમસબંધ તોડી નાંખતા આરોપી અપહરણ કરી સરખેજ રેલ્વે સ્ટેશન લઈ ગયો
ધંધુકા ખાતે વકીલાત કરતી ૨૫ વર્ષીય યુવતીએ મીઠાખળી વિસ્તારમાં રહેતાં ઉદયરાજ ભરતસિંહ ચાવડા અને રાજ રાજેશ રૂપારેલીયા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી ગોતામાં રહેતાં બહેનના ઘરે છેલ્લા કેટલાક દિવસથી રોકાઈ હતી. યુવતીને ઉદયરાજ સાથે પ્રેમસબંધ હતા જો કે, પ્રેમીએ બીજા લગ્ન કરી લેતાં યુવતીએ પ્રેમસબંધો કાપી નાંખ્યા હતા. બીજી તરફ પૂર્વ પ્રેમી યુવતીને પ્રેમસબંધો ચાલુ રાખવા માટે દબાણ કરતો હતો.બહેનના ઘરેથી ગુરૂવારે વતનમાં જવા નીકળેલી યુવતીને પૂર્વ પ્રેમીએ સાંજે ૪.૩૦ વાગ્યે ફોન કરી એક્રોપોલીશ મોલ પર વાતચીત કરવા બોલાવી હતી. બંને વચ્ચે વાતચીત દરમિયાન યુવતીે પ્રેમસબંધ ના રાખવા મક્કમ રહેતાં આરોપી ઉશ્કેરાયો હતો. આરોપી ઉદયે યુવતીના મિત્રોને ફોન કરી અપશબ્દો બોલી ધમકી આપી હતી. આ ફોન દરમિયાન યુવતીએ મને બચાવી લો, આ મારી નાંખશે તેમ ચાલુ ફોને જણાવ્યું હતું.યુવતીના ઘરે તેના મિત્રએ બનાવની જાણ કરી હતી. દરમિયાનમાં ઉદયે યુવતીને બે લાફા મારી હાથ પકડી જાનથી મારવાની ધમકી આપી તેના મિત્ર રાજની બાઈક પર બેસાડી દીધી અને સરખેજ રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો.બહેન તકલીફમાં હોવાની જાણકારી મળતા યુવતીના ભાઈએ તેના મિત્રોને જાણ કરી હતી. આ દરમિયાન યુવતીના ભાઈના મિત્રો રેલ્વે સ્ટેશન પર પહોંચતા આરોપીઓ ડરીને ફરિયાદીને સ્થળ પર છોડી ભાગી ગયા હતા.