અમદાવાદમાં જમાલપુર બ્રિજ નજીક કાર ચાલકે શાકભાજી વેચતી મહિલાને કચડી નાખતા મોત
Road Accident In Ahmedabad: અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કાર ચાલકો અને મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. આ દરમિયાન જમાલપુર બ્રિજ નજીક એક કાર ચાલકે શાકભાજી વેચતી મહિલા પર કાર ચઢાવી દીધી હતી. આ દુર્ઘટના મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું,જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહેંચી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત
મળતી માહિતી અનુસાર, જમાલપુર બ્રિજ નજીક MG હેક્ટરના કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે રોંગ સાઇડમાં કાર ચલાવી હતી અને સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા શાકભાજી વેચતી મહિલાને અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં મહિલાનું મૃત્યુ નિજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો
ગુજરાતમાં જાન્યુઆરીથી જૂન દરમિયાન 81,305 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. જુલાઇથી ડિસેમ્બરમાં 81,649 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2023માં જાન્યુઆરીથી જૂન દરમિયાન 81,192 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી હતી. વર્ષ 2024 માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દર કલાકે સરેરાશ 19 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, આ વર્ષે 1.62 લાખ ઘવાયા
ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાંથી આ વખતે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ ઈજાગ્રસ્તોને સારવાર લેવી પડી હોય તેવા જિલ્લામાં અમદાવાદ મોખરે છે. વર્ષે 27,515 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી છે. અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 76 વ્યક્તિને માર્ગ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.