4 દિવસમાં 12નાં મોતથી ગુજરાતના આ તાલુકામાં હડકંપ, કારણ છે શંકાસ્પદ તાવ, તંત્ર દોડતું થયું

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
4 દિવસમાં 12નાં મોતથી ગુજરાતના આ તાલુકામાં હડકંપ, કારણ છે શંકાસ્પદ તાવ, તંત્ર દોડતું થયું 1 - image

Image : ENVATO 



Gujarat Kutch lakhpat News | લખપત તાલુકામાં વરસાદ બાદ તાવના લીધે સાત ગામના 12 વ્યક્તિઓના 4 દિવસમાં મોત થતાં અને અન્ય લોકો તાવમાં પટકાયા હોવાની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને જિલ્લા પંચાયત કચ્છના મહિલા સદસ્યાએ લેખિત રજૂઆતને પગલે તંત્રને જાણ કરાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. 

જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા આરોગ્ય મંત્રી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ આરોગ્યની ટીમો દોડતી કરવામાં આવી છે. જો કે, સ્થાનિકે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મૃત્યુ અંગે અલગ - અલગ રિપોર્ટ અને કારણ હોવાની પ્રાથમિક વિગતો હોવાનું તંત્ર અંદરખાને કહે છે. બીજી તરફ, લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારી કહે છે કે, મૃતકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી જ રોગચાળા અંગે ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાશે.

પાન્ધ્રોથી જિ.પં. સભ્ય મીનાબા દેશુભા જાડેજા અને તેમના પતિ લખપત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન દેશુભાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની તાજેતરની મુલાકાત વખતે રૂબરૂ રજૂઆત બાદ આજે લેખિતથી વિગતો મોકલી હતી. મરણ પામનારામાં તા. 3 ના બેખડાના શકુર જત (ઉ.વ.22), તા. 4ના જુણસ (ઉ.વ. 18), મુસ્તાક (ઉ.વ. 18)  તા.પના સુલેમાન (ઉ.વ. 50), તા. 6 ના બેખડાના આયનાબાઈ (ઉ.વ. 5), સાન્ધ્રોના આદમ જત (ઉ.વ. 11) ભરાવાંઢના લતીફ (ઉ.વ. 13), લાખાપરના એજાજ સુમરા (ઉ.વ. 7) તા. 7ના મોરગરના મુકીમ જત (ઉ.વ. 48) મેડીના અબ્દુલ્લા (ઉ.વ. 30) વાલાસરીના શકીનાબાઈ ઈબ્રાહીમ જત (ઉ.વ. 32) અને શકીનાબાઈ સાલેમામદ જત (ઉ.વ. 12)નો સમાવેશ થાય છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત જિ.પં. સભ્ય દ્વારા રાજ્યના આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય તંત્રનું પણ ઘ્યાન દોરી તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરાઈ હોવાનું જણાવાયું હતું. તેમણે લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલીભાઈ જત સહિતની ટીમ સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હોવાનું ઉમેર્યું હતું.

આજે લખપત દોડી ગયેલા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર સિંઘનો સંપર્ક કરતાં તેમણે તાવ ન્યુમોનિયા છે તે કન્ફર્મ કરવા મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાયા છે તેના રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના કારણ અને તારણ ઉપર નિશ્ચિતપણે આવી શકાશે.

મૃતકો અંગે મળેલી વિગતો ટાંકતા જણાવ્યું કે ભુજમાં દાખલ કરાયેલા એકની તબીબી રિપોર્ટમાં બ્લડ કેન્સરનો રિપોર્ટ છે. કે.કે. પટેલ હોસ્પિટલમાં બે દર્દી હતા તેમના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે તે પૈકી એકને સીવીયર ન્યુમોનિયા હતો. આયુષ હોસ્પિટલમાં મૃત્યુ પામનરાના રિપોર્ટમાં હૃદય, ડાયાબીટીસ, હાયપર ટેન્શન દર્શાવાયા છે. એકનું દયાપર સીએચસીમાં હાર્ટ એટેકથી મોત નોંધાયું છે. એકનું 108માં મૃત્યુ થયું હોવાનું એક ભુજની ડો. ગોરની હોસ્પિટલમાં જ્યારે અન્યોએ સ્થાનિકે દવા લીધા બાદ ઘેર મૃત્યુ થયા હતા. આરોગ્ય ટીમ દ્વારા બીમાર અને મૃતકોના સંબંધીઓના નાકમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા. સ્થાનિક લોકોએ આરોગ્ય ટીમને રજૂઆત કરી હતી.  

4 દિવસમાં 12નાં મોતથી ગુજરાતના આ તાલુકામાં હડકંપ, કારણ છે શંકાસ્પદ તાવ, તંત્ર દોડતું થયું 2 - image


Google NewsGoogle News