પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ?
Congress Future Groupism Politics: કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. દેશભરના નેતાઓ, કાર્યકરો તેમાં ભાગ લેશે. પ્રવચનો, ઠરાવો થશે. બે દિવસ રાજકીય વાતો થશે આમ થવું સ્વાભાવિક હશે પણ પ્રશ્ન એ છે કે જે સાબરમતી નદીના કિનારે 1902 અને 1921ના વર્ષમાં મળેલા અધિવેશને તત્કાલીન પરિસ્થિતિમાં આખા દેશને એક દિશા દેખાડવાનું કામ કરેલું એવું કોઈ કામ, દેશને તો ઠીક પણ પોતાના આમ કાર્યકરોને એક ચોક્કસ દિશાનિર્દેશ આપવામાં, આ 2025નું સંમેલન સફળ થશે ખરું ? દેશની તો વાત છોડો, ગુજરાતમાં મૃતઃપ્રાય થઈ રહેલા પક્ષને ફરી બેઠો કરવામાં ઉપયોગી બનશે ખરું?
1985માં, વિધાનસભાની સર્વશ્રેષ્ઠ 149 બેઠકો જીતવાનો એક વિક્રમ સર્જનારો પક્ષ, આજે 2025માં સત્તાવાર રીતે વિરોધ પક્ષનો હોદ્દો જાળવી શક્યો નથી એવી નજીવી સભ્ય સંખ્યામાં છે. 1990થી પોતાના એકલા હાથે સરકાર રચવાનું કૌવત ગૂમાવી ચૂકેલા પક્ષે ચીમનભાઈના ગુજરાત જનતા દળના પ્રયોગ અને પછી શંકરસિંહના રાજપાના ઉંબાડિયા ટાણે બૅકસીટ ડ્રાઈવિંગનો લાભ લીધેલો ખરો પણ એ બધું તો અલ્પજીવી નીવડેલુ.
1998 પછીથી તો સત્તાના નામે નાહી નાંખ્યું એ સર્વવિદિત ઘટના છે. 2017ની ચૂંટણીમાં 76 બેઠકોનો જુમલો કરેલો પણ એ પાટીદાર અનામત આંદોલનને કારણે હતો. એ પછી 2022માં પાછા તળિયે આવી જવું અને વધારામાં સભ્યોના પક્ષપલટાના કારણે ઓર તળિયે બેસવાનું આવ્યું છે.
આમ કેમ થયું છે? એવો પ્રશ્ન લોકોને થાય છે પણ કોંગ્રેસની રાષ્ટ્રીય અને ગુજરાતની નેતાગીરીને થતો નથી એ હકીકત છે. કેમકે એવો પ્રશ્ન કરીને વિચાર્યું હોત તો આજે છે તેવી પરિસ્થિતિ જ ન હોત.
ગુજરાત કોંગ્રેસમાં જે નેતાઓ છે તે એક જૂથના છે, પક્ષના નહીં. કોઈની ય પાસે રાજ્યવ્યાપી નેતૃત્વની શક્તિ નથી. દિલ્હીમાં બેઠેલા આકાઓના જોરે ગુજરાતમાં ચીપિયા ખખડાવ્યા કરે છે. સૌથી મોટી ખોડ એ છે કે પ્રજાની નાડ પારખવાની આ નેતાઓમાં કુનેહ નથી. એટલે તો ભય, ભૂખ, ભ્રષ્ટાચારયુક્ત ગુજરાતમાં, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, દલિતો અને આદિવાસીઓ, મહિલાઓ અને શ્રમજીવી વર્ગના અઢળક પ્રશ્નનો હોવા છતાં ય તે હાથ ધરીને પ્રજાને પોતાની સાથે જોડવાનું કામ એકય નેતા કરતો નથી.
જે લોકો હોદ્દો ધરાવે છે તે ટકાવી રાખવા એવા જ ઉપાયો અજમાવે છે જેમાં પોતે અને પોતીકાઓ સચવાઈ જાય. એટલું જ નહીં શાસકો અને અધિકારીઓ જોડે સાઠગાંઠ કરીને પોતાની દુકાન ચાલુ રાખે છે.
ચૂંટણીમાં મળતા મતને જોઈએ તો, હજી 30% જેટલો મતદારવર્ગ કોંગ્રેસની સાથે લગભગ રહ્યો છે. અર્થાત્ ગ્રામીણ ઈલાકાઓમાં મતદારો કોંગ્રેસની સાથે આશાભરી રીતે જોડાયેલા છે. કમનસીબે, નેતાઓ ક્યાંક બીજે આંખો ઠેરવીને બેઠા છે. શાસક પક્ષ ભાજપની જેમ, આ નેતાઓ પણ એક પ્રકારના કાદવમાં ખૂંપેલા છે.
‘પંજા’ના નિશાનવાળા પક્ષના નેતા પંજાની આંગળીઓની જેમ છૂટા, અલગ છે. ભેગા થઈ મૂઠ્ઠી બનવાની અને લોકોની સાથે ઊભા રહેવાની દ્રષ્ટિ જ ખોઈ બેઠા છે. પક્ષના દિલ્હીસ્થિત નેતા જ જ્યાં લગનના-વરઘોડાના રેસના કે સર્કસના ઘોડાઓની માફક પક્ષના નેતાઓની સરખામણી કરતા હોય એવી ચિંતાજનક સ્થિતિ શું બયાન કરે છે?
આ પણ વાંચો: અમદાવાદમાં PM આવાસ યોજનામાં કૌભાંડ, 50000 રૂ. લઈ બનાવટી પઝેશન લેટર અપાયાની ફરિયાદો
ગુજરાતના એક રાજકીય સમીક્ષક કહે કે જીજીવિષા ગૂમાવી બેઠેલા દર્દીને અત્યાધુનિક ચિકિત્સા-ઉપચાર, તબીબો બચાવી શકતા નથી, ઠીક એવું જ ગુજરાત કોંગ્રેસનું છે. એટલે, સાબરમતીના કાંઠે યોજાનારું અધિવેશન, એક વેડિંગ ડેસ્ટિનેશન જેવું બની રહેશે. 1924માં મહાત્મા ગાંધીએ, બેલગામ સત્રની કમાન સંભાળી, પ્રજાની નાડ પારખી હતી, દેશને દોર્યો હતો.
શતાબ્દી પૂર્વે જે કામ એ ગાંધીએ કર્યું હતું એવું કામ, અત્યારના ગાંધી અટકધારીઓ, દેશ માટે તો ઠીક ગુજરાત માટે પણ કરી શકે એવી સ્થિતિ નથી. ભાજપ જેને ગુજરાત મોડલ ગણાવે છે ત્યાં અધિવેશન યોજીને ભાજપને ટોકી શકાશે એ ખરું પણ સાબરમતીના કાંઠેથી પોતાના જ પક્ષને એક પ્રજલક્ષી સંગઠન બનાવવાની એક દિશા આપી શકશે કે કેમ એ સવાલ છે.