અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો : પત્ની બહેનપણી સાથે ભાગી ગઇ, પતિ ગુજરાત હાઈકોર્ટની શરણે
Shocking Story from Ahmedabad : લેસ્બિયન સંબંધોના દબાણમાં, સાત મહિનાનો ગર્ભ ધરાવતી પોતાની પત્ની તેની નાનપણની બહેનપણી સાથે જતી રહી હોવાના ગંભીર આક્ષેપ કરતી હેબીયર્સ કોર્પસ અરજી એક પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઇ છે. જેમાં જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, ચાંદખેડા પીઆઈ, લાપતા પત્નીની બહેનપણી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે અરજદારની લાપતા પત્નીને શોધીને 23મી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ રજૂ કરવા પોલીસને હુકમ કર્યો હતો.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક પતિએ પોતાની પત્ની અને તેની બહેનપણી પર લેસ્બિયન અથવા હોમોસેકસ્યુઅલના ગંભીર અને વિચિત્ર આક્ષેપો લગાવી હાઇકોર્ટ સમક્ષ હેબીયર્સ કોર્પસ અરજી દાખલ કરી જણાવ્યું હતું કે, અરજદારના લગ્ન તેની પત્ની સાથે તા. 9 ઓક્ટોબર 2022ના રોજ થયા હતા. તેઓ સુખેથી પોતાનું લગ્નજીવન જીવી રહ્યા હતા અને તેની પત્નીને સાત મહિનાની પ્રેગનન્સી પણ રહી છે.
ફેબ્રુઆરી- 2025માં તેને ડિલીવરી થવાની શક્યતા છે. જો કે, તેની પત્નીની નાનપણની એક બહેનપણી કે જેની સાથે તેનો ગાઢ ઘરોબો હતો અને આ બહેનપણીને પણ અરજદારની પત્ની પ્રત્યે લેસ્બિયન કે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ હતું.
દરમિયાન ગત તા. 29 ઓક્ટોબર 2024ના રોજ અચાનક જ તેની પત્ની ઘરમા કોઈને કીધા વગર જતી રહી હતી. બીજીબાજુ, તેની પત્નીની બહેનપણી કે જેને અરજદારની પત્ની પ્રત્યે લેસ્બિયન કે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ હતું તે પણ ઘરેથી ગાયબ હતી. તેથી અરજદારે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસમાં જાણવા જોગ પણ નોંધાવી હતી. પરંતુ આજદિન સુધી તેની પત્નીની કોઈ ભાળ મળી નથી.
એક દિવસ ચાંદખેડા પોલીસના એક કર્મચારીએ તેમને ખાનગીમાં જણાવ્યું કે, અરજદારની પત્ની બેંગ્લોરમાં છે અને તે અરજદાર પાસે પાછી આવવા માંગતી નથી, ઇન્સ્ટાગ્રામ એપ મારફતે તેનું નિવેદન પણ પોલીસે નોંધ્યું છે. જે સાંભળી અરજદારને બહુ મોટો આઘાત અને આંચકો લાગ્યો હતો. તેમણે પોલીસને એ વીડિયો બતાવવા કહ્યું પણ પોલીસે ના પાડી દીધી હતી.
એકબાજુ, પોલીસ એમ કહે છે કે, તેમની પત્ની બેંગ્લોરમાં છે અને બીજીબાજુ, ઇન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલા જ અપલોડ થયેલા ફોટાઓ પેલેડિયમ મોલ, એસજી હાઇવેના છે. એટલે, આ કેસમાં કંઈક શંકાસ્પદ છે.