રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ કેમ હજુ સુધી આવ્યું નથી ?: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ,તા.24 ઓગષ્ટ 2022,બુધવાર
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે આજે બહુ ગંભીર નોંધ લઇ રાજય સરકારને કેટલાક વેધક સવાલ કર્યા હતા. હાઇકોર્ટે સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવારના જારી કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી..?? હાઇકોર્ટે એવી પણ માર્મિક ટકોર હતી કે, શહેરના મોટાભાગના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે, જે અદાલતના હુકમનું પાલન નહી થઇ રહ્યુ હોવાની વાતને સ્પષ્ટ કરે છે. હાઇકોર્ટે રખડતા ઢોરોના ત્રાસ અંગેની મેટર આવતીકાલ જ લીસ્ટ કરવા રજિસ્ટ્રીને નિર્દેશ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીને હાજર રહેવા તાકીદ કરી હતી.
અમ્યુકોના જવાબદાર અધિકારીને હાજર રહેવા હાઇકોર્ટની કડક તાકીદ : રખડતા ઢોરની મેટર લીસ્ટ કરવા પણ નિર્દેશ
હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં આજે ગીર, આલેચ અને બરડા ડુંગરના વિસ્તાર સિવાયના રબારી, ભરવાડ અને ચારણ સમુદાયના કેટલાક લોકો ખોટી રીતે અનુસુચિત જનજાતિનુ સટફિકેટ મેળવતા હોવાના આક્ષેપ સાથે થયેલી રિટ અરજીની સુનાવણી ચાલી રહી હતી તે દરમ્યાન ઢોરનો મુદ્દો ચર્ચામાં નીકળ્યો હતો. જેથી ચીફ જસ્ટિસે રખડતા ઢોરોના ત્રાસ અને આ ગંભીર સમસ્યાને લઇ રાજય સરકારને અચાનક જ સીધો સવાલ કર્યો હતો કે, હાઇકોર્ટના વારંવારના આ અંગેના હુકમો અને નિર્દેશો છતાં રખડતા ઢોરોની સમસ્યાનું કેમ હજુ સુધી કાયમી નિરાકરણ આવી શકયુ નથી..?? જો કે, સરકારપક્ષ તરફથી કોઇ સંતોષજનક ખુલાસો કરી શકાયો ન હતો. હાઇકોર્ટે જે મેટરની સુનાવણી ચાલી રહી હતી તેમાં રખડતા ઢોરોનો મુદ્દો કેન્દ્રસ્થાને આવી જતાં આવતીકાલે જ રખડતા ઢોરોના ત્રાસ અંગેની મેટર લીસ્ટ કરવા રજિસ્ટ્રીને નિર્દેશ કર્યો હતો અને આ કેસની સુનાવણી આવતીકાલે ને આવતીકાલે રાખી હતી. સાથે સાથે હાઇકોર્ટે આવતીકાલે અમદાવાદ મ્યુનિિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીને પણ હાજર રહેવા તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે ભૂતકાળમાં કેટલાક મહત્વના નિર્દેશો આપેલા છે. જેનુ યોગ્ય રીતે પાલન નહી થતાં સરકાર સહિતના સત્તાધીશો સામે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ થયેલી છે. તદુપરાંત, આ જ મુદ્દા પર અન્ય બે જાહેરહિતની અરજીઓ પણ થયેલી છે., જેથી આ કેસની સુનાવણી મહત્વની બની રહેશે.