Get The App

'રાજકોટના બંને મ્યુનિસિપલ કમિશ્નર જાહેરમાં માફી માગે..', ગુજરાત હાઇકોર્ટના જજ કેમ ગુસ્સે થયા?

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
Gujarat HighCourt


Rajkot TRP Game Zone Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજી અને ઍડ્વોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી રિટની શુક્રવારે(27મી સપ્ટેમ્બર) સુનાવણી હાથ ધરી હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર રાજકોટના બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નરો આનંદ પટેલ અને અમિત અરોરાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હાઇકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, 'આ બન્ને અધિકારીઓએ ખરેખર તો બધાની જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમને આ કરુણાંતિકાને લઈ હૃદયથી પસ્તાવો અને દોષભાવ થવો જોઈએ.'

હાઇકોર્ટે બંને મ્યુનિસિપલ કમિશ્નરોની ઝાટકણી કાઢી

ગુજરાત હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'જો તેઓએ(આ બન્ને મ્યુનિસિપલ કમિશ્નરોએ) આ બાબતમાં વ્યકિતગત ધ્યાન રાખ્યું હોત તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના બની જ ના હોત અને નિર્દોષ લોકો તેમાં માર્યા ગયા ના હોત.' હાઇકોર્ટે બન્ને મ્યુનિસિપલ કમિશ્નરોને નોટિસ આપી અને તેમની આ મામલામાં કઈ રીતે જવાબદારી બનતી નથી તે મુદ્દે જવાબ માંગ્યો છે. 

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ભારે આલોચના કરતાં વધુમાં જણાવ્યું કે, 'એક મ્યુનિસિપલ કમિશ્નર (અમિત અરોરા) તો ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં પણ ગયા હતા. તેના ફોટો વાયરલ થયા છે. તેમાં કલેક્ટર પણ હતા. શું મ્યુનિસિપલ કમિશ્નરને આ ગેમ ઝોનના સ્ટ્રક્ચર વિશે ખ્યાલ ના આવ્યો. તેમણે શા માટે ઍલર્ટ ના કર્યા ?' તેઓએ શું આંખ બંધ કરી દીધી હતી? ખરેખર તેની તપાસ થવી જરૂરી હતી. જેથી સરકારે ફરી એકવાર બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે, આ તેમની પરિવાર સાથેની અંગત મુલાકાત હતી.'

ચીફ જસ્ટિસે સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આ કંઈ નાનો બનાવ નથી. તેઓ આમ કહી પોતાને નિર્દોષ સાબિત કરી શકે નહીં. તેઓએ જ્યારે મુલાકાત લીધી ત્યારે ગેમ ઝોનનું સંપૂર્ણ માળખું તૈયાર હતું. આ એક સૌથી કમનસીબ બનાવ હતો અને વહીટવટી તંત્ર ઉપર મોટા ધબ્બા સમાન છે. આ એક ખૂબ જ દુ:ખદ બાબત છે, ત્યારે કમિટી તેમને શીરપાવ આપવાનો પ્રયત્ન કરે છે. કમિટીના સભ્યો પણ અધિકારીઓ જ છે અને તેઓ પોતાના અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'

સરકારે મ્યુનિસિપલ કમિશ્નરોનો બચાવ કરતાં પુનરોચ્ચાર કર્યો કે, 'તેઓએ સત્તા તાબાના અધિકારીઓને આપી હતી અને તેમણે જાણ કરી નહોતી, તેથી તેઓને દોષી ના ગણી શકાય.' જો કે, ચીફ જસ્ટિસે આ બચાવને ફગાવતાં જણાવ્યું કે, 'તાબાના અધિકારીઓને સત્તા આપી દેવાથી જવાબદારી પૂરી થઈ જતી નથી. તેઓ કૉર્પોરેશનના વડા હતા અને સમગ્ર મામલામાં ધ્યાન રાખવાની તેમની ફરજ અને જવાબદારી હતી.' 

ચીફ જસ્ટિસે બંને મ્યુનિસિપલ કમિશ્નરોના વલણને લઈને પણ ઝાટકણી કાઢી હતી કે, 'આ બન્ને અધિકારીઓ (મ્યુનિસિપલ કમિશ્નર)ને કોઈ પસ્તાવાનો ભાવ જ નથી, તેઓ માફી માગવા પણ ઇચ્છુક નથી અને પોતાની જ બાબતને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરે છે. જો તેઓએ કાળજી રાખી હોત તો બનાવ અટકાવી શકાયો હોત. તેઓએ પોતાની વ્યક્તિગત રીતે એફિડેવીટ ફાઇલ કરવી જોઈએ. જો તમારાથી કંઈ ખોટું થયું હોત તો તમને દોષનો ભાવ થવો જોઈએ.'

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 'ટીઆરપી ગેમઝોનનું માળખું એક દિવસ કે થોડા મહિના નહીં, પરંતુ પૂરા બે વર્ષ સુધી ઊભું રહ્યું હતું. આવા કોઈ એકાદ બે બનાવ નથી. સમગ્ર રાજ્યમાં ક્યાંકને ક્યાંક કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને તે અવારનવાર છે.'

તમામ કૉર્પોરેશનો અને નગરપાલિકામાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે જવાબ મંગાયો

હાઇકોર્ટે કેસની સુનાવણી બાદ રાજયના તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને નગરપાલિકાઓમાં ફાયર વિભાગમાં કુલ મહેકમ, કુલ ખાલી જગ્યાઓ સહિતની વિગતવાર માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશ્નરો અને રાજ્યના ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરને નિર્દેશ કર્યો હતો. તો, રાજ્યની શાળાઓમાં પણ ફાયરસેફ્ટી મુદ્દે નિયમોનું કેટલા અંશે પાલન થયું છે તે અંગેનો અહેવાલ રજૂ કરવા પણ સરકારને તાકીદ કરી કેસની વધુ સુનાવણી 18મી ઑકટોબરે રાખી હતી.

'રાજકોટના બંને મ્યુનિસિપલ કમિશ્નર જાહેરમાં માફી માગે..', ગુજરાત હાઇકોર્ટના જજ કેમ ગુસ્સે થયા? 2 - image



Google NewsGoogle News