'ગુજરાતમાં કોંગ્રેસીઓને ભાજપમાં કેમ સામેલ કર્યા..?' પ્રદેશ પ્રમુખ પાટીલે પહેલીવાર કર્યો ઘટસ્ફોટ
Lok Sabha Elections 2024 | ભાજપને આ વખતે છત આસાન લાગે છે છતાં કોંગ્રેસના નેતાઓનો ભરતી મેળો યોજ્યો જેનાથી ભાજપના જ નેતાઓ નારાજ થયા છે તે અંગે આજે રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે અનૌપચારિક વાતચીતમાં જણાવ્યું કે મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ રાખ્યા હતા, ચારેક વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો છે.
કેટલાં કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા?
તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસના 60 હજાર કાર્યકરો ભાજપમાં ભળ્યાં છે જેમાં 300 નાના મોટા હોદ્દેદારો, નેતાઓ છે અને આનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે અને કોંગ્રેસને બૂથ માટે પણ કાર્યકર ન મળે તેવી સ્થિતિ થઈ છે. પરંતુ, આનાથી ભાજપની વિચારધારા,શિસ્ત, પક્ષના કાર્યકરોની નારાજગીના પ્રશ્નો સર્જાયા તે મુદ્દે તેમણે કહ્યું કે અમે કોંગ્રેસના નેતાઓના પ્રવેશથી પક્ષના સિનિયરોની અવગણના કરીશું નહીં અને દરેક પાસે શિસ્તની અપેક્ષા રખાશે. દેશમાં વિપક્ષને તોડી રહ્યા છે લોકશાહી ખતરો થાય તે અંગે તેમણે કહ્યું કે વિપક્ષો ટકાવવા, મજબૂત કરવા તે વિપક્ષોનું કામ છે અમારું નથી.