Get The App

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી?

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? 1 - image


Drugs in Gujarat: ડ્રગ્સ, માદક,નશીલા પદાર્થના સુનિયોજિત વ્યાપારને કારણે યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. આયોજનબદ્ધ રીતે થઈ રહેલાં ડ્રગ્સના વ્યાપારને રોકવાને બદલે ભાજપ શાસનમાં ડ્રગ્સનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. આ કારણોસર યુવાપેઢી ડ્રગ્સના દૂષણમાં હોમાઈ છે. સવાલો એ ઊઠયાં છે કે, અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે, પરંતુ ડ્રગ્સ માફિયા અને ખરીદનાર કેમ પકડાતા નથી. ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશ દ્વાર કેમ ગુજરાતની ભૂમિ બની રહી છે. 

ડ્રગ્સ પેડલર્સને પોલીસનો જરાય ડર નથી

યુવા પેઢીને નશાના દૂષણમાં ધકેલી સુનિયોજીત ષડયંત્રને ડામવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. ગાંધીના ગુજરાતમાં નશાબંધી અમલમાં છે, ત્યારે દારૂ-જુગારની સાથે ડ્રગ્સનું દૂષણ વકર્યુ છે. આજે સ્થિતી એવી છે કે, કોકેઈન,એમડી ડ્રગ્સ, ચરસથી માંડીને દારૂની પણ હોમ ડીલીવરી થાય છે. ડ્રગ્સ પેડલર્સને પોલીસનો જરાય ડર રહ્યો નથી. છેલ્લા પાંચ વર્ષમાં 6 હજાર કિગ્રાથી વધુ ડ્રગ્સનું જથ્થો પકડાયો છે. જેની કિંમત આશરે 50 હજાર કરોડ થવા જાય છે, ત્યારે પાછલા બારણે કેટલું ડ્રગ્સ ગુજરાતમાં પ્રવેશ્યુ હશે તેની કલ્પના કરવી રહી, જે ચિંતાનો વિષય છે. 

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? 2 - image

અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના વિદેશોમાંથી આવતું ડ્રગ્સએ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે, ત્યારે દરિયાકિનારા પર ઠલવાતાં કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી કરનારાં માફિયા કેમ પકડાતાં નથી. એટલું જ નહીં, ગુજરાત પોલીસ હજુ સુધી ખરીદનારાઓને કેમ પકડી શકી નથી. એ મૂંઝવતો સવાલ છે. 

આ પણ વાંચો: પેસેન્જર વાહનો માટે RTO નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે: મળતીયાઓ ભ્રષ્ટાચાર કરીને કમાશે


'મગરમચ્છોને પકડવામાં ગુજરાત પોલીસ નાકામ રહી છે'

કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ આક્ષેપ કર્યોકે, 'ગુજરાતમાં છાશવારે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને સરકાર-ગૃહવિભાગ વાહવાહી મેળવી રહ્યું છે. પરંતુ અસલી હકીકત એ છેકે, નાની માછલીઓને પકડી લેવાય છે પણ મગરમચ્છોને પકડવામાં ગુજરાત પોલીસ નાકામ રહી છે. ડ્રગ્સના નેટવર્કને તોડવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. આ કારણોસર ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. જો ઈડી-સીબીઆઈનો દૂરપયોગ કરવાને બદલે નાર્કોટિક્સ, ડીઆઇઆર જેવી સંસ્થાઓને યોગ્ય ઉપયોગ કરી ગુજરાતી યુવાઓની ચિંતા કરી હોત તો ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યુ ન હોત.'

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? 3 - image

Tags :