Lok Sabha 2024: ભાજપની બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકો પર ઉમેદવાર કોણ?
ભાજપના કેટલાંક સાંસદ રિપીટ થઈ શકે છે, અન્ય નવા ચહેરા હશે
Lok Sabha Elections 2024: લોકસભાના ચૂંટણી મેદાને ઉતારવા માટે ભાજપ હાઈકમાન્ડે મૂરતિયાઓની પસંદગી કરી લીધી છે. જો કે, હજુ ઘણાં ઉમેદવારો પસંદ કરવાના બાકી છે. ગુજરાતમાં 15 ઉમેદવારોના નામોની ઘોષણા કરી દેવાઈ છે, જ્યારે બીજી યાદીની કાગડોળે રાહ જોવાઈ રહી છે. સૂત્રોના મતે, બીજી યાદીમાં કેટલાંક સાંસદ રિપીટ થઈ શકે છે, જ્યારે અન્ય નવા અને યુવા ચહેરા ઉપરાંત મહિલા ઉમેદવારોની પસંદગી થશે. ભાજપ હાઈકમાન્ડ ગુજરાતમાં નવા-યુવા ચહેરા-મહિલા ઉમેદવારની પસંદગી કરીને ચોંકાવશે.
સુરેન્દ્રનગરમાં મુંજપરા અથવા બાવળિયાને પસંદ કરાશે!
ગુજરાતમાં 12 બેઠકો માટે કોણ ઉમેદવાર હશે? તે અંગે રાજકીય અનુમાનોએ જોર પકડયુ છે. મહેસાણા બેઠક પર વર્તમાન સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી નહી લડવા એલાન કર્યુ છે, જેના પગલે આ બેઠક પર કડવા પટેલને ટિકિટ આપવાનું લગભગ નક્કી છે. મહેસાણા બેઠક પર ઉમેદવાર તરીકે નવો ચહેરો હશે. સુરેન્દ્રનગર બેઠક પર કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા રિપીટ થઈ શકે છે પણ આ વખતે કોળી પ્રભુત્વ મત વિસ્તારમાં ભાજપ હાઈકમાન્ડ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને લોકસભાની ચૂંટણી મેદાને ઉતારે તો નવાઈ નહી. ભાવનગર અને જૂનાગઢ બેઠક પર પણ કોળી ઉમેદવારને ટિકિટ આપવાનુ ભાજપે મન બનાવ્યુ છે. વડોદરામાં સવર્ણ-બ્રાહ્મણ ઉમેદવાર હશે. રંજન ભટ્ટ રિપિટ થશે કે કેમ તે અંગે અટકળો ખોટી પડી શકે છે. સાબરકાંઠામાં દિપસિહ રાઠોડને પુન: ટિકિટ મળે તેવા સંજોગો ઓછા છે. અહીં ઠાકોર-ઓબીસીનો નવો ચહેરો આવી શકે છે.
અન્ય સાંસદો પર લટકતી તલવાર
અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલને રિપીટ કરે તેવી શક્યતા છે. આમ છતાંયે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાય તો નક્કી નહી. દાહોદ અને વલસાડમાં આદિવાસી ઉમેદવાર તરીકે કોને ટિકિટ મળે તે અટકળો ચાલી રહી છે. આ બંને બેઠકો પૈકી એક બેઠક પર વર્તમાન સાંસદનું પત્તુ કપાઇ શકે છે. સુરતમાં ગોવિંદ ધોળકિયાને રાજ્યસભામાં તક મળી છે જેના કારણે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ માટે હજુય લોકસભામાં જવા માટેનો માર્ગ ખુલ્લો છે. જો કે, બીજી યાદીમાં પાંચેક સાંસદોને પુન: ટિકિટ મળે તેવી સંભાવના છે. અન્ય સાંસદો પર લટકતી તલવાર છે,જ્યારે અન્ય નવા-યુવા ચહેરા, બે મહિલાને પણ ટિકિટ મળી શકે છે. હાઈકમાન્ડ ઉમેદવારોની પસંદગીમાં રાજકીય પંડિતોને ખોટા ઠેરવશે.
કઈ બેઠક પર કઈ જ્ઞાાતિના ઉમેદવારને તક
મહેસાણા: કડવા પટેલ
સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર: કોળી
સાબરકાંઠા: ઓબીસી-ઠાકોર
વડોદરા: સવર્ણ-બ્રાહ્મણ
દાહોદ, વલસાડ: આદિવાસી
અમદાવાદ પૂર્વ: સવર્ણ
સુરત: મૂળ સુરતી
છોટાઉદેપુર: એસટી-અનામત