શાકભાજીના ભાવમાં કોણ કરી રહ્યું છે ભડકો, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કરી હકીકત
Vegetable Price Hike Game: શાકભાજીના ભાવ આખું વર્ષ હવે ન પોષાય તે રેન્જમાં આવી ગયા હોવાથી ત્રસ્ત પ્રજાને લૂંટવા માટે વેપારી આલમ રોજને રોજ કોઈને કોઈ બહાના હેઠળ શાકભાજીના ભાવમાં ભડકો કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શાકભાજી અને ફળ બજારના સરવે કરીને ખેડૂતોને છૂટક ભાવની તુલનાએ હોલસેલર્સ અને રિટેઈલર્સ મળીને 70 ટકા રકમ સેરવી લેતા હોવાની હકીકત જાહેર કરી તે વાસ્તવમાં બહાર આવી રહી છે.
ખેડૂતોને 30, વચેટિયાઓને 70 ટકા મળે છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ એપીએમસીમાં ખેડૂતો વેપારીઓને હાથે લૂંટાઈ રહ્યા હોવાની એક ફરિયાદ કરી છે. શાકભાજીના ભાવ સતત ઊંચા રહેતા હોવાથી ફુગાવાનો દર પણ ઊંચો જઈ રહ્યો છે. આ સીઝનમાં કમોસમી વરસાદ અને પાકના ઓછા ઉતારાને નામે બૂમરાણ મચાવીને શાકભાજીના ભાવમાં ભડકો કરી દેવામાં આવ્યો છે.
એક જમાનો હતો જ્યારે ચોમાસામાં અને શિયાળામાં શાકભાજી એકદમ નીચા આવી જતાં હતા, પરંતુ છેલ્લા થોડા વરસોથી શાકભાજીના ભાવ શિયાળાની કે ચોમાસાની સીઝનમાં પણ ઊંચા જ રહે છે. તેની સામે ખેડૂતોની આવકમાં અપેક્ષા પ્રમાણેનો વધારો થતો નથી. કારણે વધારેમાં વધારે ફાયદો હોલસેલર્સ અને રિટેઈલર્સ જ ખાઈ જાય છે. તેનાથીય આગળ વધીને વાત કરીએ તો વચોટિયાઓ કે કમિશન એજન્ટ્સ પણ ખેડૂતની આવકમાંથી થોડોગણો હિસ્સો પડાવી લેવાની કવાયત કરી રહ્યા છે.
આ રહ્યું તેનું ઉદાહરણ. ઓક્ટોબર મહિનાના ત્રણ અઠવાડિયા સુધી બટાકાનો હોલસેલ માર્કેટમાં છૂટક સરેરાશ કિલોદીઠ ભાવ રૂ.21નો રહ્યો છે. તેની સામે બટાકાના છૂટક ભાવ કિલોદીઠ એરિયા પ્રમાણે રૂ. 50થી 60ના બોલાયા છે. હા, સામનો વઘુ માાલ વેચી દેવા માગતા અને વઘુ ટર્નઓવર કરવા માગતા છૂટક વેપારીઓ રૂ.100ના અઢી કિલો બટાકા વેચતા હોવાનું પણ જોવા મળ્યું છે. આમ હોલસેલમાં બટેકાના સરેરાશ કિલોદીઠ રૂ.21ના ભાવ સામે છૂટકમાં 150 ટકા ઊંચા રૂ. 50ના સરેરાશ ભાવ જોવા મળ્યા છે.
અમદાવાદ એપીએમસીમાં ઓક્ટોબરના પહેલા ત્રણથી સાડાત્રણ અઠવાડિયા રોજની બટેકાની સરેરાશ આવક 25000 ક્વિન્ટલની રહી છે. આ જ રીતે ડુંગળીનો સરેરાશ રૂ. 34થી 37ના ભાવ સામે છૂટક બજારમાં ડુંગળીના રૂ. 80ના ભાવ બોલાયા છે. સાવ કચરા જેવા દેખાલા ફુલાવરના નંગદીઠ રૂ.50થી 70 ખંખેરી રહ્યા છે.ટામેટાંના સરેરાશ રૂ. 66ના કિલોદીઠ ભાવ સામે છૂટક બજારમાં રૂ. 120થી 140 જેટલા લઈ રહ્યા છે.
હોમ ડિલિવરી આપતી કંપનીઓના માલની ગુણવત્તા ખરાબ હોય તો તેમજ તેના માલના વજન પણ ઓછા હોવાની ફરિયાદ છે. આ સંજોગોમાં આમ આદમીને શાકભાજી ન પરવડે તેવી રેન્જમાં આવી રહ્યા છે. ખેડૂતો ચાર માસની મહેનત પછીય નથી કમાતા તેનાથી ઘણું વધારે એપીએમસીના વેપારીઓ ચાર કલાકમાં કમાઈ લે છે. આ સંજોગોમાં ખેડૂતો પાસેથી ખરીદવાના ભાવ અને છૂટકમાં વેચાતા ભાવ વચ્ચેનો ગાળો નિશ્વિત કરી આપવો જોઈએ. અન્યથા આમઆદમી વેપારીઓના ખેલમાં લૂંટાતા જ રહેશે.
શાકભાજી | હોલસેલના ભાવ | છૂટક ભાવ |
રિંગણ-ભુટ્ટા | રૂ.24.00 | રૂ.60થી 80 |
રવૈયા | રૂ.24.00 | રૂ.60થી 80 |
ટામેટાં | રૂ.60.00 | રૂ.120થી140 |
દૂધી | રૂ.60.00 | રૂ.70થી 80 |
કોબી | રૂ.18.00 | રૂ.60થી 80 |
ભીંડા | રૂ.25.00 | રૂ.120 કે વઘુ |
સરગવો | રૂ.75.00 | રૂ150 કે વઘુ |
ફુલાવર | રૂ.46.00 | રૂ. 70 નંગના |