રહી રહીને બજેટની જોગવાઈ યાદ આવી , અમદાવાદમાં ધાર્મિક ટ્રસ્ટની જગ્યામાં રોડ-પાણી માટેના કામ મ્યુનિ.કરશે
સાત ઝોનમાં ધાર્મિક ટ્રસ્ટની જગ્યામાં પ્રાથમિક સુવિધાના કામ માટે ૨૫ કરોડની ફાળવણી
અમદાવાદ,ગુરુવાર,16 જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિ.ના શાસકોને વર્ષ-૨૦૨૪-૨૫ના બજેટમાં ધાર્મિક
ટ્રસ્ટની જગ્યામાં રોડ-પાણી સહીતની પ્રાથમિક સુવિધાના કામ કરવાની જોગવાઈ હવે યાદ
આવી છે. રજિસ્ટર્ડ ધાર્મિક ટ્રસ્ટની જગ્યામાં રોડ-પાણી,લાઈટ સહીતની
પ્રાથમિક સુવિધા પુરી પાડવા સાત ઝોનમાં રુપિયા ૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે તાકીદના એજન્ડામાં દરખાસ્ત મંજૂર
કરવામાં આવી હતી.કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, વર્ષ-૨૦૨૪-૨૫ના બજેટમાં ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની જગ્યામાં
પ્રાથમિક સુવિધાના કામ કરવા રુપિયા ૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.ધાર્મિક સંસ્થાએ
મ્યુનિ.તંત્રની સહાય
મેળવવા માટે મ્યુનિ.દ્વારા નકકી કરવામા આવેલા કામનો વિગતવાર ઠરાવ જે તે ધાર્મિક સંસ્થામાં
કરવાનો રહેશે.સંસ્થાનુ અલાયદુ રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનેલુ હોવુ જોઈએ તથા તેના આવક-જાવકના
બે વર્ષના ઓડિટ રીપોર્ટ રજૂ કરવા પડશે.જે સ્થળ ઉપર ધાર્મિક સંસ્થા આવેલી હોય તે જગ્યાના
ટાઈટલ કલીયર હોવા જોઈએ.એક વાર કામ મ્યુનિ.તરફથી પુરુ કરવામાં આવ્યા પછી ફરી વખત કામ
કરવાનુ થશે તો જે તે સંસ્થાએ તે ખર્ચ ભોગવવાનો રહેશે.રુપિયા પાંચ લાખ સુધીના કામ માટે
જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર મંજૂરી આપી શકશે.મધ્યઝોન માટે રુપિયા બે કરોડ, ઉત્તરઝોન અને દક્ષિણ-પશ્ચિમ
ઝોન માટે અનુક્રમે રુપિયા ત્રણ-ત્રણ કરોડ,
દક્ષિણ,પશ્ચિમ તથા
પૂર્વ ઝોન માટે અનુક્રમે ચાર-ચાર કરોડ તથા ઉત્તર-પશ્ચિમ ઝોન માટે પાંચ કરોડની રકમ ધાર્મિક
ટ્રસ્ટની જગ્યામાં પ્રાથમિક સુવિધાના કામ કરવા માટે ફાળવવામાં આવી છે.