Get The App

અહીં કયાં લોકો રહે છે? કોર્પોરેટર, ખાડીયા વોર્ડમાં પાણી નહીં તો વોટ નહીંના લોકોએ નારા લગાવવા પડયા

ખાડીયામાં અડધો ડઝનથી વધુ વિસ્તારના રહીશો પાણીથી વંચિત રહયા, કોર્પોરેટર-અધિકારીઓ આવીને જતા રહે છે,લોકોનો આક્રોશ

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
અહીં કયાં લોકો રહે છે? કોર્પોરેટર, ખાડીયા વોર્ડમાં પાણી નહીં તો વોટ નહીંના લોકોએ નારા લગાવવા પડયા 1 - image


અમદાવાદ,બુધવાર,27 માર્ચ,2024

સ્માર્ટસિટી અમદાવાદમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની સમસ્યા વકરતી જોવા મળી છે.ખાડીયા વોર્ડના અડધો ડઝનથી વધુ વિસ્તારના રહીશો બુધવારે સવારના સમયે પાણી નહીં મળતા પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવવા મજબૂર બન્યા હતા.સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યકત કરતા કહયુ, કોર્પોરેટર,ધારાસભ્ય અને મ્યુનિ.ના અધિકારીઓ આવીને જતા રહે છે.પરંતુ એક મહિનાથી પણ વધુના સમયથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની કે પાણી પુરતા પ્રેસરથી નહીં મળતુ હોવાની અમારી અનેક વખતની રજૂઆત બાદ પણ કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી.કોર્પોરેટર એમ કહે છે કે,અહીં કયાં લોકો રહે છે? લોકો નથી રહેતા તો શું જાનવર રહે છે? એમ કહી સ્થાનિકોએ આક્રોશ વ્યકત કર્યો હતો.

બુધવારે સવારે ખાડીયા વોર્ડમાં આવેલી પડી પોળ, ધનાસુથારની પોળ, જગાનાયકનો ખાંચો, લાવરીની પોળ ઉપરાંત ચોખવતિયાની પોળ, ઝલોરાની પોળ, મહાદેવનું ચોકઠુ, અંબાજી માતાના મંદિર આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સમયસર પાણી પુરવઠો મળી શકયો નહોતો. પાણી નહી મળતા વિવિધ પોળના રહીશોએ એકઠા થઈ પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા.સ્થાનિક રહીશોએ કરેલા આક્ષેપ મુજબ, છેલ્લા એક મહિનાથી ધનાસુથારની પોળ, પડી પોળ સહિતની પોળમાં ઓછા પ્રેસરથી પાણી આવી રહયુ છે.ઉપરાંત પાણીમાં પોલ્યુશન પણ આવે છે.જેના કારણે પાણીનો ઉપયોગ કરી શકાતો નથી.જો પોલ્યુશનવાળુ પાણી ઉપયોગમા લેવામાં આવે તો લોકો વિવિધ બિમારીનો ભોગ બને છે.આ સમસ્યાનુ નિરાકરણ લાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.છતાં કોઈ ઉકેલ આવતો નથી.સ્થાનિકોની રજૂઆત છતાં આંખ આડા કાન કરી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેટરો અને અધિકારીઓ ચલતા હૈ,હોતા હૈની નિતી અપનાવી રહયા છે.આ અંગે ખાડીયાના કોર્પોરેટર ઉમંગ નાયકનો સંપર્ક કરતા તેમણે કહયુ, જે વિસ્તારમાં બોરથી પાણી સપ્લાય અપાય છે ત્યાં પાણી આપી શકાયુ નહોતુ.પરંતુ મોડેથી પાણી અપાયુ હતુ.

ખાડીયા વોર્ડમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વાળા કયા વિસ્તાર

નાગજી ભૂધરની પોળ, લાલાભાઈની પોળ, નારણ ગોપાલનો ખાંચો, સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, શામળાની પોળ, રૃઘનાથપુરા, ચુનારાવાસ, કાંતોડીયા વાસ, દોલતખાના, ધનાસુથારની પોળ,રતનપોળ, નાગોરી શાળા, ગજજરનુ ચોકઠુ, ખીસકોલા પોળ, શેઠ હીરજીની પોળ, કાલુપુર ટાવર આસપાસનો વિસ્તાર.

મસ્ટર સ્ટેશન ઉપર લાલ ચિઠ્ઠી આપી લોકોની ફરિયાદ લેવાતી નથી

અમદાવાદના વિવિધ વોર્ડમાં આવેલા મસ્ટર સ્ટેશન ખાતે એક સમયે સ્થાનિક રહીશો પાણી,ગટર કે રસ્તા સહિતની ફરિયાદ લખાવવા જાય ત્યારે મસ્ટર સ્ટેશન ખાતે ફરજ ઉપરના સ્ટાફ દ્વારા ફરિયાદ નોંધવાનારને લાલ ચિઠ્ઠી અપાતી હતી.ફરિયાદનો નિકાલ થાય એ સમયે જે તે વ્યકિતની ફરિયાદ ઉકેલાઈ છે એવી સહી લેવાતી હતી.હવે તો કોઈ ફરિયાદ નોંધાવવા જાય તો તરત જ ઓનલાઈન ફરિયાદ કરો એમ કહી ફરિયાદ નોંધવાનો જ ઈન્કાર કરવામાં આવે છે.જરુરી નથી કે તમામ લોકો આજની ટેકનોલોજીથી અપડેટ હોય.


Google NewsGoogle News