ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? આ બે તાલુકાઓમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain News : ચોમાસાની શરૂઆતથી રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ, છેલ્લા કેટલાંક દિવસથી રાજ્યમાં અમુક જ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે (11 જુલાઈ) રાજ્યમાં 90 જેટલાં તાલુકામાં વરસાદ પડ્યો હોવાના આંકડા હવામાન વિભાગે જાહેર કર્યા છે. જેમાં 15 જેટલાં તાલુકામાં 1 ઈંચ અને અન્ય કેટલાંક તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે.
રાજ્યમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 3.18 ઈંચ વરસાદ નોંધાયો
આજે (11 જુલાઈ) રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હોવાના આંકડાઓ હવામાન વિભાગ દ્વારા જાહેર કર્યા છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 3.18 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે આણંદના બોરસદમાં 3.11 ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા 2 ઈંચ, અમરેલીના ખાંભા, સુરત અને અમદાવાના ધંધુકામાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
કાળા ડિબાંગ વાદળ સાથે સુરતના વિસ્તારોમાં વરસાદ
રાજ્યમાં દક્ષિણ ગુજરાત સિવાયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ શાંત થયો છે. ત્યારે આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળ સાથે સુરતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે સુરતના ઓલપાડ, કામરેજ, માંડવી, માંગરોળ સહિતના અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યાં હતા.
2 કલાકની અંદરમાં રાજ્યમાં 19 તાલુકામાં વરસાદ
આ દરમિયાન સાંજના 4 થી 6 વાગ્યાની 2 કલાકની અંદરમાં રાજ્યમાં 19 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં આણંદના બોરસદમાં 37 મિ.મી. સાથે સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, વડોદરાના ડભોઈમાં 22 મિ.મી., અમરેલીના લાઠીમાં 17 મિ.મીકુકાવાવમાં 15 મિ.મી., રાજકોટના જેતપુરમાં 14 મિ.મી. વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે.