'પક્ષ કરતાં પ્રજા મોટી....' ગુજરાતના સ્થાપના ટાણે ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીએ શા માટે આવું કહેલું

Updated: May 1st, 2024


Google NewsGoogle News
'પક્ષ કરતાં પ્રજા મોટી....' ગુજરાતના સ્થાપના ટાણે ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીએ શા માટે આવું કહેલું 1 - image


Gujarat Foundation Day: પહેલી મે 2024ના રોજ ગુજરાતનો 64મો સ્થાપના દિન છે. આ દિવસે જ 1960માં દ્વિભાષી રાજ્ય મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડયું હતું અને બે રાજ્યોની રચના થઈ હતી. રાજ્ય સરકાર દર વર્ષે આ દિવસને ગૌરવ દિવસ તરીકે ઉજવે છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી હોવાથી આચાર સંહિતાના કારણે સરકારી ઉજવણી ફિક્કી રહેશે.

ગુજરાત રાજ્યના સ્થાપના દિને રવિશંકર મહારાજે આપ્યું હતું ભાષણ 

ગુજરાત રાજ્યના સ્થાપના દિને સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજે તેમના લાગણીશીલ ભાષણમાં કહ્યું હતું કે "આપણે ત્યાં માનવ શક્તિ અને કુદરતી સંપદાનો યોગ્ય ઉપયોગ થશે તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ વધશે. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ વિશેષ ધ્યાન આપવું પડશે." તેમના શબ્દોનું જો શાસકો દ્વારા અનુકરણ કરવામાં આવ્યું હોત તો આજે પીડાદાયક દિવસો આવ્યા ન હોત.

તેમની એવી લાગણી હતી કે, ભૂમિ એ શોષણનું સાધન બનવી જોઈએ નહીં. એ તો પોષણનું સાધન છે. તેમણે કહ્યું હતું કે આજે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણા માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતમાં ગુજરાતે સ્વાવલંબી બનાવાનો નિર્ધાર કરવો જોઈએ અને એવી સુવ્યવસ્થિત યોજના ઘડીને દેશને માર્ગદર્શન આપવું જોઈએ. 

આપણા પ્રધાનો, આગેવાન, અમલદારો તેમજ મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદગી અને કરકસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું શાસન આપી શકે છે. 

બધા પક્ષોને સલાહ આપતા કહ્યુ હતુ કે પક્ષ કરતા પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય, રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે એના માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. 

લોકશાસનની સાચી ચાવી લોક કેળવણી છે

ગામના તડાં પડવાથી જેમ ગામની બેહાલી થાય છે તેમ રાષ્ટ્રના તડાં પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે. રવિશંકર મહારાજે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, લોકશાસનની સાચી ચાવી લોક કેળવણી છે. વહીવટ ચલાવવામાં રાજ્યકત્તાઓને દંડશક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવા આકરાં પગલાં લેવા ન પડે તેવી રીત શોધવી જોઈએ. તેમણે કહ્યું હતું કે દારૂબંધીની નીતિ ખરેખર શ્રેષ્ઠ છે. તે ચાલુ જ રહેવી જોઈએ. જેને સંપૂર્ણપણે સફળ બહુ મોટો ફાયદો બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થશે.

'પક્ષ કરતાં પ્રજા મોટી....' ગુજરાતના સ્થાપના ટાણે ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીએ શા માટે આવું કહેલું 2 - image


Google NewsGoogle News