'દુષ્કર્મીઓનું સરઘસ કેમ નથી કાઢવામાં આવતું...' ગુજરાત પોલીસના બેવડાં વલણ પણ સવાલ ઊઠ્યાં
Gujarat Police Action On Rapist: 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો', દાદાના રાજમાં દાદાગીરી નહિ ચાલેની શેખી મારવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રીના મત વિસ્તારમાં આતંક મચાવનારાં શખ્શોને પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ છે પણ દાહોદ દુષ્કર્મના આરોપી ગોવિંદ નટ્ટ ઉપરાંત ભાજપના યુવા નેતા ગૌરવ ચૌધરીનુ પોલીસ ક્યારે સરઘસ કાઢશે તે અંગે સવાલ ઉઠ્યાં છે.
ગુજરાત રાજ્યમાં કેટલીય ઘટનાઓમાં ગુજરાતની પોલીસ ગુનેગારોને કાયદાનું ભાન કરાવી જાહેરમાં સરઘસ કાઢે છે તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, સવાલ એ છે કે, ભાજપ, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલાં હોય તેવા ગુનેગારો મામલે ગૃહમંત્રી કેમ મૌન છે.
ભાજપ નેતાઓનો વરઘોડો ક્યારે?
કોંગ્રેસ પ્રવક્તા પાર્થિક કઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે, દાહોદમાં છ વર્ષની દિકરી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી દેવામાં આવી છે ત્યારે આવા ગંભીર ગુનામાં નરાધમ આરોપી ગોવિંદ નટનો પોલીસે હજુ સુધી વરઘોડો કેમ કાઢ્યો નથી. વડોદરા દુષ્કર્મ પ્રકરણમાં આરોપી આકાશગોહિલ જે ભાજપ સાથે રાજકીય સબંધ ધરાવે છે જેણે જાહે૨માં એવુ કહ્યું હતુંકે, મારી પાસે પાંચ-પાંચ ધારાસભ્ય છે. આ આરોપીને પોલીસ રિમાન્ડ વિના સીધો જ કેવી રીતે જેલભેગો કરી દેવાયો હતો. એક સપ્તાહ બાદ પકડાયેલાં આરોપીને પોલીસે કેમ પૂછપરછ કરી નહીં.
મહેસાણાની દુષ્કર્મની ઘટનામાં ભાજપ યુવા મોરચાના નેતા ગૌરવ ચૌધરી ઉપરાંત આટકોટના બળાત્કારી ભાજપ નેતા મધુ ટાઢાણી અને પરેશ રાદડીયાનુ પોલીસે સરઘસ કાઢ્યુ નહીં કેમકે, આ બધાય ભાજપ સાથે સબંધ ધરાવે છે. આમ, ભાજપની કરની અને કથનીમાં મોટા ફેર છે તે વાત નક્કી છે.