હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ વર્ષે દિવાળી 'ગરમ' રહેશે, ગુજરાતના શહેરોમાં કેટલું રહેશે તાપમાન?
Gujarat Weather: રાજ્યમાં ગરમી વધવાનું પ્રમાણ યથાવત્ રહેતાં 24મી ઓક્ટોબરે અમદાવાદ સહિત 8 શહેરમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. હજુ આગામી એક સપ્તાહ તાપમાન 37 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. ગુરૂવારે (24મી ઓક્ટોબર) અમદાવાદમાં 37.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
અમદાવાદનું તાપમાન 38 ડિગ્રી સુધી જઈ શકે છે
છેલ્લા 5 દિવસમાં અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું વધ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસમાં અમદાવાદનું તાપમાન 38 ડિગ્રી સુધી જઈ શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં એક સપ્તાહ તાપમાન 36થી વધુ રહેતા ગરમી અનુભવાશે.
આ પણ વાંચો: પાટનગરના રાજકારણમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ, પૂર્વ ડેપ્યુટી મેયરને ભાજપમાંથી બરતરફ કરાશે
બુધવારે (23મી ઓક્ટબર) રાત્રે અમદાવાદમાં 24 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.2 ડિગ્રીનો વધારો થયો હતો. આ દરમિયાન રાજ્યમાંથી અન્યત્ર ગુરૂવારે દિવસ દરમિયાન વડોદરા-ભાવનગરમાં 35, અમરેલી, છોટા ઉદેપુર અને ડાંગમાં 35.2 ડિગ્રી, સુરત અને પોરબંદરમાં 35.8 ડિગ્રી, જામનગરમાં 35.9 ડિગ્રી, રાજકોટમાં 36.2 ડિગ્રી, દ્વારકામાં 36.3 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી, ડીસામાં 37. 6 ડિગ્રી, કંડલામાં 38 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.