ખ્યાતિ કાંડ પર ઠંડુ પાણી રેડી દેવાશે! આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથેની બેઠકમાં શું રંધાયું
Khyati Hospital Controversy : ખ્યાતિ હોસ્પિટલમાં નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓના જીવ સાથે રમત રમાઇ રહી હતી ત્યારે હવે આ પ્રકરણ ચગ્યુ છે. આરોગ્ય વિભાગ પર ચારેકોરથી ટીકાઓ વરસી છે તેમ છતાંય એક સવાલ ઉઠ્યો છે કે, આ ઘટના પર ઠંડુ પાણી રેડી દેવાશે કે પછી પિડીતોને ન્યાય મળશે? આ ઉપરાંત આજે સચિવાલયમાં આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ હતી જેમાં શું રંધાયુ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી
આજે જયારે ખ્યાતિ હોસ્પિટલ પ્રકરણ બહાર આવ્યુ છે ત્યારે સચિવાલયમાં આરોગ્યમંત્રીના કાર્યાલયમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારીને બોલાવવામાં આવ્યા હતાં. લગભગ બે કલાકથી વઘુ ચર્ચા થઇ હતી. આ બેઠકમાં શું રંધાયું તે વિગત જાણવા મળી શકી નથી. પણ ચર્ચા છેકે, ભાજપ નેતાઓ સાથેની સાંઠગાંઠને લીધે જતા દિવસે ખ્યાતિ હોસ્પિટલના આખાય પ્રકરણ પર પડદો પાડી દેવાશે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટો ધડાકો, ભાજપ નેતાની ભાગીદારી નીકળી, આરોપીઓ છટકી જશે!
પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદમાં આવવાનું કેમ ટાળ્યું
સામાન્ય રીતે સરકારના નિર્ણયથી માંડીને અન્ય વિગત પ્રવક્તા મંત્રી જ પત્રકાર પરિષદમાં આપતાં હોય છે. ગુજરાતમાં જયારે આરોગ્ય વિભાગને લાંછન લાગે તેવી ઘટના ઘટી છે. હોસ્પિટલમાં થતી સારવાર પરથી દર્દીઓને જાણે ભરોસો ઉઠ્યો છે તેવો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે આ પ્રકરણની વિગત આપવા પત્રકાર પરિષદમાં આવવાનુ ટાળ્યુ હતું. આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ સમગ્ર મુદ્દે શું શું પગલાં લેવાયાં તે અંગે માહિતી આપી હતી. આરોગ્ય મંત્રીએ આ બાબતથી કેમ અળગા રહેવું પડ્યુ તે સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે.