પુત્રને લઈ સારવાર માટે ગયેલાં મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનરને એલ.જી. હોસ્પિટલમાં પ્રવેશતા રોકાયા

સામાન્ય વર્ગના લોકો બાદ ઉચ્ચ અધિકારીને પણ સિકયુરીટી ગાર્ડનો કડવો અનુભવ થયો

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News

     પુત્રને લઈ સારવાર માટે ગયેલાં મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનરને એલ.જી. હોસ્પિટલમાં પ્રવેશતા રોકાયા 1 - image

  અમદાવાદ,બુધવાર,18 ઓકટોબર,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા  ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર  મંગળવારે રાત્રે પુત્રનેમાથામાં સામાન્ય  ઈજા થઈ હોવાથી  એલ.જી.હોસ્પિટલના પ્રતિબંધીત દરવાજેથી હોસ્પિટલમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતા સિકયુરીટી ગાર્ડે તેમને આ રસ્તેથી પ્રવેશવા નહીં દેતા મોડીરાત્રે હોસ્પિટલના તમામ કર્મચારીઓ સ્થળ ઉપર હાજર થયા હતા.આ બનાવ બાદ ફરજ ઉપરના સિકયુરીટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.એલ.જી.હોસ્પિટલમાં બનેલી આ ઘટના મ્યુનિ.વર્તુળોમાં દિવસભર ચર્ચાનો વિષય બનવા પામી હતી.

ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર,મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર  મંગળવારે રાત્રિના સમયે તેમના પુત્રને માથામાં સામાન્ય ઈજા થતા ખાનગી વાહનમાં તેને લઈ સારવાર માટે એલ.જી.હોસ્પિટલ પહોંચ્યા હતા.નવા બિલ્ડીંગ તરફથી આવી તેમણે ગાર્ડને દરવાજો ખોલવા કહયુ હતુ.જો કે રાત્રે હાજર ગાર્ડે આ દરવાજેથી કોઈને પણ પ્રવેશવાની મનાઈ છે એમ સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતુ.આ સમયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પોતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે.તુ દરવાજો ખોલ અહીંથી પ્રવેશવુ પડશે.એમ કહયા બાદ પણ ગાર્ડે દ્વારા તેમને પ્રવેશવા દેવાનો ઈન્કાર કરવા દેવામાં આવ્યો હતો.ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને પણ આગળના ઈમરજન્સી દરવાજેથી જ અંદર આવવા કહયુ હતુ.દરમિયાન આ અધિકારી દ્વારા એલ.જી.હોસ્પિટલના તમામ સ્ટાફને બોલાવી બાળકને તત્કાલ સારવાર આપવામાં આવી હતી.

સામાન્ય વર્ગના લોકોને થતા કડવા અનુભવને ધ્યાનમાં લેવાતો નથી

એલ.જી.હોસ્પિટલ ખાતે પુત્રને લઈ સારવાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના  ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સિકયુરીટી ગાર્ડે પ્રવેશતા અટકાવી આગળના દરવાજેથી જવા કહેતા વિવાદ સર્જાયો હતો.પ્રાપ્ત થતી માહિતી મુજબ,આ અધિકારી સરકારી ગાડીના બદલે પ્રાઈવેટ ગાડી લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા.પ્રવેશ નહીં આપવાના મામલે ફરજ ઉપરના સિકયુરીટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યો.પરંતુ એલ.જી.ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા દર્દી અને તેમના સ્વજનોને હોસ્પિટલમાં ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સરોના રોજબરોજ કડવા અનુભવ થતા હોય છે.સામાન્ય વર્ગના લોકોને થતા કડવા અનુભવોને વહીવટીતંત્રના અધિકારીઓ અને સત્તાધારી પક્ષ દ્વારા ગંભીરતાથી લેવામાં આવતા નથી.


Google NewsGoogle News