પહેલા મોદીજી અમેરિકા જતાં, ગળે મળતા, હવે એવી તસવીરો જોઈ? ટ્રમ્પે ટેરિફ લગાવી દીધા, પરંતુ મોદીજીએ ચૂં પણ ના કર્યું
Rahul Gandhi Say on Reservation : ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઇતિહાસનો મુદ્દો છેડ્યો હતો. આ સાથે તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, '100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને 150 વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. આ બંને કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. હું પછાત લોકો માટે કામ રહ્યો છું.' આ દરમિયાન તેમણે ટેરિફ, વિદેશ નીતિ, અનામત, અગ્નિવીર અને વિચારધારાઓ સહિત અનેક મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી.
ટ્રમ્પે ટેરિફ લાદ્યા, તો ધ્યાન ભટકાવવા સંસદમાં નાટક કરાવ્યું
અમેરિકાના ટેરિફના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પહેલાં મોદી અમેરિકા જતાં અને પ્રમુખ ટ્રમ્પને ગળે મળતા. હવે તમે ટ્રમ્પને ગળે મળતો કોઈ ફોટો જોયો? ટ્રમ્પે નવા ટેરિફ લગાવી દીધા. મોદીજીએ ચૂં પણ ના કર્યું. જનતાનું ધ્યાન ત્યાં ન જાય એટલે સંસદમાં નાટક કરાવ્યું. હકીકત એ છે કે આર્થિક વાવાઝોડું આવશે. કોરોનામાં મોદીજીએ થાળી વગડાવી હતી. હવે ક્યાં સંતાઈ ગયા છે?'
બાંગ્લાદેશમાં વાત કરતી વખતે ક્યાં ગઈ 56 ઇંચની છાતી?
'તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમંદ યુનુસ અને પીએમ મોદીની મુલાકાતને લઈને રાહુલ ગાંધીએ જોરદાર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ નિવેદન આપી રહ્યું છે. ભારતના વડાપ્રધાન ત્યાંના નેતાને મળ્યા. તેમના મોંઢામાંથી એકપણ શબ્દ નીકળ્યો નહીં. ક્યાં ગઈ 56 ઇંચની છાતી.'
અમે 50 ટકા અનામતની દીવાલ તોડી દઈશું
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે 'તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઈએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.
પીએમ મોદી અને આરએસએસએ સ્પષ્ટ કરી દીધું કે અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માંગતા નથી. અમે સંતાડવા માંગીએ છીએ. મેં કહ્યું કે, તમે છુપાવવું હોય એટલું છુપાવો. અમે અહીંથી જાતિ આધારિત વસતી ગણતરી પાસ કરીશું. હું ફરીથી કહી રહ્યો છું કે 50 ટકા અનામતની જે દીવાલ છે તેને અમે તોડી દઈશું. અમે જે તેલંગાણામાં કર્યું તે દિલ્હીમાં અને આખા ભારતમાં કરવા જઈ રહ્યા છીએ.'
લોકો મારા વિશે શું વિચારે છે તેનાથી મને ફરક પડતો નથી
દાદી ઇન્દિરા ગાંધીને યાદ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘એકવાર મેં ઇન્દિરા ગાંધીજીને સવાલ પૂછ્યો હતો કે, તમે દુનિયામાં ન હો ત્યારે લોકોએ તમારા વિશે શું બોલવું કે વિચારવું જોઈએ? આ વાતનો જવાબ આપતાં તેમણે હતું કે, રાહુલ, હું માત્ર મારું કામ કરું છું. હું ના હોઉં ત્યારે લોકો મારા વિશે શું વિચારે છે તેની મને ચિંતા નથી. મારું ફોકસ માત્ર કામ પર છે. હું ના હોઉં ત્યારે દુનિયા મને ભૂલી જાય, તો મને મંજૂર છે, કારણ કે મેં પોતાનું કામ બરાબર રીતે કર્યું છે. લોકો શું વિચારે છે, તેનાથી મને ફરક પડતો નથી.'
અગ્નિવીરોને શહીદ કે પેન્શનનો લાભ પણ નહીં મળે
રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો ભારતની તમામ સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. પછાત અને દલિતોને જ્યાં સ્થાન મળતું હતું, ત્યાંના રસ્તા બંધ કરી રહ્યા છે. પહેલાં દરેક સમાજના યુવાનો સેનામાં જઈ શકતા હતા. તેમને પગાર, પેન્શન, એક્સ-સર્વિસમેનનો દરજ્જો મળતો હતો. બધું ખતમ કરી દીધું. 'આજે અમારી સરકાર યુવાનોને કહે છે કે તમે યુદ્ધમાં શહીદ થશો, જો તમે અગ્નિવીર હશો તો તમને શહીદનો દરજ્જો અને પેન્શન આપીશું નહીં. તમારી સાથે જે લડી રહ્યા છે તેમને મળશે, તમને નહીં. દલિત, પછાત, અતિ-પછાતને નુકસાન થઈ રહ્યું છે.'
અદાણી અને અંબાણીના મેનેજમેન્ટમાં કોઈ દલિત-પછાત નથી
રાહુલ ગાંધીએ અદાણી-અંબાણી પર પ્રહાર કરતાં કહ્યું કે હવે બધા બિઝનેસ અદાણી અને અંબાણીને મળી રહ્યા છે. અદાણી અને અંબાણીની કંપનીની મેનેજમેન્ટ લિસ્ટ નીકાળો તો એક પણ દલિત, આદિવાસી અને પછાત મળશે નહીં. 90 ટકા લોકો માટે કશું વધ્યું નથી. તેમને ફક્ત ગરીબી અને બેરોજગારી મળી છે.
આખા દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઈ રહી છે
રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, 'તે સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. આખા દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઈ રહી છે, બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું કે બધું ધન બે-ત્રણ લોકોના હાથમાં જ જવું જોઈએ. સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે દેશના તમામ ચાન્સલર આરએસએસના હોવા જોઈએ? સંવિધાનમાં ક્યાંય એવું લખ્યું નથી કે કોઈ ખાસ ભણાવવામાં આવશે. જે પાર્ટીની પાસે વિચારધારા, સ્પષ્ટતા નથી, તે ભાજપ અને આરએસએસના સામે ઊભી રહી શકે નહીં. જેની પાસે વિચારધારા છે, તે ભાજપ અને આરએસએસ સામે ઊભી રહી શકે, તે તેમને હરાવશે.'
'આરએસએસએ તિરંગાને સલામી આપી ન હતી'
'અમે અંગ્રેજો અને આરએસએસની વિચારાધારા વિરુદ્ધ લડી રહ્યા હતા. તેમની વિચારધારા સ્વતંત્રતા સંગ્રામની વિચારધારા નથી. જે દિવસે સંવિધાન લખવામાં આવ્યું હતું, તે દિવસે સંઘે રામલીલા મેદાનમાં સંવિધાનને સળગાવ્યું હતું. તેમાં લખ્યું છે કે આપણા દેશનો ઝંડો તિરંગો હશે. વર્ષો સુધી આરએસએસએ તિરંગાને સલામી આપી ન હતી. તે હિંદુસ્તાનની બધી સંસ્થાઓ કબજે કરવા તમારા પૈસા અદાણી-અંબાણી આપવા માંગે છે.'