અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટર 9 હજારની લાંચ લેતા પકડાયા, ACBએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપ્યા
AMC Ward Inspector Bribery Case : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ભાડાની ઑફિસની આકારણી ઓછી કરવા પેટે 10 હજારની લાંચ માગી હતી. ACBએ રાયસણ, ગાંધીનગરના રહેવાસી સંજયકુમાર જયંતિભાઇ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને CARE પ્રોગ્રામ હેઠળ અગાઉ પણ ભ્રષ્ટાચારી સામે લડત આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : વાવાઝોડું ફંટાયું પણ હજુ મેઘરાજા કરશે તાંડવ, ગુજરાતમાં આ તારીખે ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ
AMCના વૉર્ડ ઈન્સ્પેક્ટર 9 હજારની લાંચ લેતા પકડાયા
અમદાવાદના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલીગન્સ પાર્ટ-1માં ઑફિસ ભાડે રાખનારા નાગરિક પાસે AMCના વૉર્ડ ઈન્સ્પેક્ટર સંજયકુમાર પટેલ લાંચ માગી હોવાની ફરિયાદ આવી હતી. જેમાં ભાડે રાખેલી ઑફિસનો વર્ષ 2024-25નો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો. પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી નહીં કરવા આક્ષેપિત સંજય પટેલે સૌપ્રથમ 10 હજારની લાંચ માગી ત્યારે રકઝકના અંતે 9 હજાર રૂપિયા લાંચ લેવા માટે તૈયાર થયા હતા. આ પછી, ACB અધિકારીએ આજે (31 ઑગસ્ટે) લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સંજય પટેલને રૂ 9 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો.
2021થી પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ પર હતો આરોપી
સંજય પટેલ વર્ષ 2012માં જુનિયર ક્લાર્ક કમ વૉર્ડ ઈન્સ્પેક્ટર તરીકે AMCમાં નોકરી લાગ્યો હતો. 8 વર્ષ સુધી તેણે ગીતા મંદિર પાસે આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી હતી. જ્યારે વર્ષ 2021થી સંજય પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવે છે.
આ પણ વાંચો : દરિયામાં હલચલ: ચીને યુદ્ધ જહાજ મોકલી કરી દાદાગીરી, તો જાપાને ફાઈટર જેટ મોકલી આપ્યો જવાબ
ACBએ જાગૃત નાગરિકનું સન્માન કર્યું
સંજય પટેલ સામે લાંચની ફરિયાદ કરનાર જાગૃત્ત નાગરિકે અગાઉ પણ AMCના એક ભ્રષ્ટાચારી બાબુ સામે અરજી કરી લડત આપી હતી. લાંચિયા બાબુઓ સામે ફરિયાદ/રજૂઆત કરી ભ્રષ્ટાચાર સામે લડત આપનારા જાગૃત્ત નાગરિકોનું CARE પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિને ACB દ્વારા સન્માન ક્યું હતું.
ACBના આ અધિકારીએ લાંચના છટકાને અંજામ આપ્યું
અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનના PI ડી. બી. ગોસ્વામી સહિતના સ્ટાફે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જ્યારે ACB અમદાવાદના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમા સુપરવિઝન ઑફિસર રહ્યા હતા.