Get The App

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, 18મીએ મતગણતરી, રાજકીય પક્ષોએ કમર કસી

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, 18મીએ મતગણતરી, રાજકીય પક્ષોએ કમર કસી 1 - image


Local Body Elections: દસેક દિવસના ચૂંટણી પ્રચાર બાદ રવિવારે (16મી ફેબ્રુઆરી) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવવા જઈ રહ્યુ છે. એક બાજુ મતદાન માટે ચૂંટણી પંચ સજ્જ થયુ છે તો બીજી તરફ, ભાજપ,કોંગ્રેસ, આપે ચૂંટણી જીતવા છેલ્લી ઘડીના પ્રયાસો કર્યાં છે. જો કે,ઘણી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં અપક્ષો બધાય રાજકીય પક્ષોની બાજી ઉંધી પાડે તેવી સ્થિતી સર્જાઈ છે. ગ્રામ્ય-શહેરી મતદારોને રીઝવી  યેનકેન પ્રચારે ચૂંટણી જીતવા ઉમેદવારો-રાજકીય પક્ષોએ ઉધામા મચાવ્યાં છે. રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવાના દાવા કર્યો છે ત્યારે વિધાનસભા સત્ર શરુ થવાના એક દિવસ અગાઉ એટલે કે, 18મી ફેબ્રઆરી પરિણામ જાહેર થશે.

સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત 66 નગરપાલિકા,અમદાવાદ, સુરત, ભાવનગરમાં ત્રણ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સાથે સાથે બોટાદ, વાંકાનેર પાલિકાની 49 બેઠકો સહિત જિલ્લા પંચાયતની 8 બેઠકો પર પેટાચૂંટણી અને ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની 78 બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ રહી છે. આ બધીય ચૂંટણીનું આજે મતદાન થશે. ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચ સજ્જ બન્યુ છે. રવિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે.

173 ચૂંટણી અધિકારી સહિત 23,640 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે. જ્યારે 10 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ પણ ચૂંટણીમાં જોતરાયાં છે. રવિવારે 4033 મતદાન કેન્દ્રો પર મતદાન કરાશે. રાજ્યમાં 836 મતદાન કેન્દ્રો સંવેદીનશીલ છે, જ્યારે 153 મતદાન કેન્દ્રો અતિ સંવેદનશીલ છે જેના પર પોલીસે વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. મતદારો નિર્ભય રીતે મતદાન કરે તે માટે પોલીસ પેટ્રોલીંગ કરાયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં EDનો સપાટો, એક જ દિવસમાં 1646 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી જપ્ત


કુલ મળીને 5084 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. રવિવારે યોજાનારી ચૂંટણીમાં કુલ મળીને 36,71,449 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં 18,73,218 પુરુષ મતદારો અને 18,01,184 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવા ભાજપ,કોંગ્રેસ અને આપના પ્રદેશ નેતાઓએ સભા-રેલી યોજી ગામડા ખુંદવા પડ્યાં છે. હવે પાલિકા-પંચાયત પર કોણ કબજો કરે છે તે 18મી ફેબ્રઆરી ખબર પડશે.

ભાજપની 162 બેઠકો, કોંગ્રેસની 3 બેઠકો બિનહરીફ, અપક્ષો ખેલ બગાડશે

પાલિકા-પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં નગરપાલિકામાં ભાજપની 150 બેઠકો બિનહરીફ થઇ છે. આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ ર્કોપોરેશનમાં પણ ભાજપની 9 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસની માત્ર 3 બેઠકો જ બિનહરીફ થઈ છે. ભાજપના 21 મુસ્લિમ ઉમેદવારો પણ બીનહરીફ જાહેર થયા છે. મોટાભાગની પાલિકા-પંચાયતમાં ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તે જોતા અપક્ષો આખીય બાજી બગાડી શકે તેવી સ્થિતી ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે અત્યાર સુધીમાં 100થી વધુ પક્ષવિરોધીઓને હાંકી કાઢ્‌યાં છે. આજેપણ જસદણમાં ત્રણ હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દેવાયા છે.

ક્યાંક દારૂની રેલમછેલ થઈ,ક્યાંક રાજકીય દબાણ,ક્યાંક પ્રલોભન અપાયુ 

ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ છેલ્લી ઘડીના પ્રયાસો કર્યાં છે. એવા આક્ષેપ થઇ રહ્યાં છે કે, ક્યાંક દારૂની રેલમછેલ થઈ છે. તો ક્યાંક રાજકીય દબાણ કરીને ચૂંટણી જીતવા પ્રયાસ થયો છે. આ ઉપરાંત મતદારોને પ્રલોભન પણ અપાયુ છે. ક્યાંક રૂપિયા વહેંચાયા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. રાજકીય પક્ષોના નેતા-કાર્યકરોએ પાલિકા-પંચાયત પર કબજો કરવા નીતિ નિયમોને નેવે મૂક્યાં છે તેવી પણ ફરિયાદો ઊઠી છે. જો કે, શામ-દામ દંડ ભેદની નીતિ અપનાવાઇ છે ત્યારે મતદારોએ અકળ મૈાન જાળવી રાખ્યુ છે જેથી રાજકીય પક્ષોના નેતા-કાર્યકરોની ચિંતા વધી છે.

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, 18મીએ મતગણતરી, રાજકીય પક્ષોએ કમર કસી 2 - image


Google NewsGoogle News