Get The App

આફતના એંધાણ: વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર આટલું દૂર, વડોદરામાં ફરી પૂરનું સંકટ

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
આફતના એંધાણ: વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર આટલું દૂર, વડોદરામાં ફરી પૂરનું સંકટ 1 - image


Vadodara Rain Update : વડોદરામાં વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટીનું લેવલ 26 ફૂટ છે, આજે સવારે વિશ્વામિત્રી નદી આ લેવલથી આશરે માત્ર એક ફૂટ નીચે વહેતી હતી. જો કે ગઈ રાતથી વરસાદ બંધ છે અને આજે ઉઘાડ છે, પરંતુ નદીનું લેવલ રવિવારની સરખામણીએ ધીમી ગતિએ વધી રહ્યું છે, એટલે વડોદરામાં હજી પૂરનું સંકટ માથે મંડરાઈ રહ્યું છે, હવે ભારે વરસાદ ન પડે તો જ શહેર ત્રીજી વખતના પૂરમાંથી બચી શકે તેવી સ્થિતિ છે.

રવિવારની સરખામણીએ આજવા સરોવરમાં પણ લેવલ ખૂબ ધીમી ગતિએ વધે છે. રવિવારે વડોદરામાં ભારે વરસાદ પડ્યા બાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક થતાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપભેર આગળ વધી ગઈ હતી. જેના કારણે કૉર્પોરેશનનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. લોકો ત્રીજી વખત પૂર આવશે તેવી દહેશતથી ભયભીત બની ગયા હતા. ગત રાત સુધી લેવલ ખૂબ ઝડપથી વધતું હતું. રાત્રે બે વાગ્યે લેવલ 24 ફૂટ પહોંચી ગયું હતું. 

આ પણ વાંચો : વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાં પ્રવેશ, વડસર નજીક કોટેશ્વર ગામ અને સોસાયટી વિસ્તારો બેટમાં ફેરવાયા

આફતના એંધાણ: વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર આટલું દૂર, વડોદરામાં ફરી પૂરનું સંકટ 2 - image

જો કે ત્યારબાદ સપાટીમાં વધારો ધીમી ગતિએ થઈ રહ્યો છે, એટલે તંત્ર થોડું નિશ્વિંત બન્યું છે. રાત્રે 2 વાગ્યાથી અત્યારે સવારે 11:30 વાગ્યા સુધીમાં નદીની સપાટીમાં 1.03 ફૂટનો વધારો થયો છે. આજવા સરોવર ખાતે પણ ગત રાત્રે 11 વાગ્યે લેવલ 213.13 ફૂટ હતું. જે આજે 12 કલાક પછી તેમાં 0.16નો વધારો થયો છે. આજવાનું લેવલ હાલ 213.26 ફૂટ છે. વરસાદ થંભી જવાના કારણે લેવલ વધવાની ગતિ ઘટી ગઈ છે.

આફતના એંધાણ: વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર આટલું દૂર, વડોદરામાં ફરી પૂરનું સંકટ 3 - image

બીજી બાજુ વડોદરા શહેરમાં અફવા ફેલાતાં કૉર્પોરેશન તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈએ અફવા પર ધ્યાન આપવું નહીં. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે નહીં. કૉર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા એન.ડી.આર.એફની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને બચાવ કામગીરી માટે તરાપા રાખવામાં આવ્યા છે. 

આફતના એંધાણ: વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર આટલું દૂર, વડોદરામાં ફરી પૂરનું સંકટ 4 - image

આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની શાળાઓ અને એમ. એસ. યુનિવર્સિટી બંધ રાખવામાં આવી છે. હાલ નદીમાં જે પાણી વધી રહ્યું છે, તે વિશ્વામિત્રીના ઉપરવાસના વરસાદના લીધે વધે છે. સામાન્ય રીતે વરસાદ થયા બાદ 24 કલાક સુધી ધીમી ગતિએ પાણીની આવક ચાલુ રહે છે. કૉર્પોરેશનના તંત્રનું માનવું છે કે હવે લેવલ ધીમે ધીમે સ્થિર થશે અને કલાકો બાદ પાણી ઉતરવાની શરુઆત થશે, પરંતુ તે સમય દરમિયાન વરસાદ પડવો ન જોઈએ. જો વરસાદ પડે તો સ્થિતિ પાછી ચિંતાજનક બની જાય તેમ છે.


Google NewsGoogle News