મહાકુંભમાં વિમાનથી જવું મોંઘું! અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું આસમાને, VHPએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
Ahmedabad To Prayagraj Flight Fare : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યાં છે. આ દરમિયાન અમદાવાદથી મહાકુંભ જવા પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું આસમાને પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિમાન ભાડામાં નિયંત્રણ લાદવા માટે અપીલ કરવામાં આવી છે.
ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારા અંગે VHPનો PM મોદીને પત્ર
પ્રયાગરાજ ખાતે ભવ્ય મહાકુંભમાં કરોડોની સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. જેમાં ગુજરાત સહિતના રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ બસ, ટ્રેન અને વિમાન મારફતે મહાકુંભમાં જઈ રહ્યાં છે. તેવામાં અમદાવાદથી પ્રયાગરાજ વિમાન મારફતે જવામાં ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારો કરાયો હોવા અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું કે, 'છેલ્લા બે દિવસથી અમદાવાદ એરપોર્ટથી પ્રયાગરાજ જવા માટેની ફ્લાઈટના ભાડામાં વધારો કરાયો છે. જેમાં મુસાફરોને રાઉન્ડ ટ્રીપના આશરે 35000 ભરવા પડે છે. મહાકુંભ પ્રસંગે હવાઈ કંપનીઓએ કમાણીનું સાધન બનાવી દીધું છે. તેને લઈને સરકાર સમગ્ર મામલે હસ્તક્ષેપ કરે અને ખાનગી એરલાયન્સ કંપની દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી લેવામાં આવી રહેલાં ચાર ગણા ભાડા સામે યોગ્ય પગલાં લેવા વિનંતી.'