Get The App

કેનેડા જવાની ઘેલછામાં લૂંટાઈ ન જતાં, અમદાવાદમાં રીતસરનું કૌભાંડ ચાલતું હોવાના આરોપ

કેનેડાના સ્કીલ વિઝા અપાવવાના નામે મોટુ કૌભાડ બહાર આવવાની શક્યતા

લોકોએ નાણાં -અસલી ડોક્યુમેન્ટ પરત માંગતા ધમકી આપીઃ આરોપીઓ નકલી પ્રમાણપત્ર બનાવતા હોવાનો આક્ષેપઃસરખેજ પોલીસે તપાસ શરૂ કરી

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
કેનેડા જવાની ઘેલછામાં લૂંટાઈ ન જતાં, અમદાવાદમાં રીતસરનું કૌભાંડ ચાલતું હોવાના આરોપ 1 - image


Canada Visa Fraud News  | શહેરના મકરબા વિસ્તારમાં આવેલી એક ઇમીગ્રેશન ઓફિસના સંચાલકોએ સ્કીલના આધારે કેનેડાના વિઝા અપાવવાનું કહીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.  જેમાં નાણાં લેવાની સાથે તેમના અસલી પાસપોર્ટ અને દસ્તાવેજો લઇને ધમકી આપી હતી. આ મામલે સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે. ઇમીગ્રેશન ઓફિસના સંચાલક કેનેડાના નાગરિક હોવાનું  જાણવા મળ્યું છે. 

શહેરના બોપલ વિસ્તારમાં રહેતા પુજાબેન (નામ બદલેલ છે)  સલૂન ચલાવે છે. તેમને સલૂનના સ્કીલ બેઝ્ડ પર કેનેડામાં જવાનું હોવાથી મકરબામાં આવેલા આર્શીવાદ પારસ-1 કોમ્પલેક્સમાં આવેલી પેસિફિક  રીલોકેશન સર્વિસની ઓફિસ પર મળવા માટે ગયા હતા. જ્યાં સંચાલક  નિતિન પાટીલ, વિજયા સાવલએ  તેમને કેનેડામાં સ્કીલ આધારિત વિઝા પર સેટલ કરવા માટે 45 લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતુ, વધારે નાણાં ન હોવાથી પુજાબેન પરત આવી ગયા હતા.

છેવટે નિતિનના  માણસે કોલ કરીને 30 લાખમાં મોકલવાનું કહીને પાસપોર્ટ આવી જાય ત્યારે 15 લાખ અને બાકીના 15 લાખ કેનેડામાં બિઝનેસની આવક થાય ત્યારે ચુકવી આપવાનું કહ્યું હતું. આ વિઝા માટે ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર જરૂરી હતુ. જ્યારે પુજાબેન ધોરણ 10 પાસ હોવાથી તેમણે કેનેડા જવાનું ટાળ્યું હતું. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે નિતિન પાટીલ તમને ધોરણ ૧૨ પાસનું  બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરાવી આપશે. પરંતુ, પુજાબેને બનાવટી  પ્રમાણપત્રથી  વિઝા લેવાની ના કહ્યું હતુ. ત્યારે નિતિનના સ્ટાફના માણસે કહ્યું હતું કે એક વ્યક્તિને ધોરણ 12ના બનાવટી સર્ટિફિકેટથી કેનેડા મોકલીને સેટ કરી દીધો છે. તેમજ કેનેડામાં રહેતા વિજયા સાવલેને પણ આ રીતે જ કેનેડા મોકલ્યા છે. 

આમ, કોઇ કેસ નહી થાય તેમ જણાવીને વિશ્વાસ કેળવીને પ્રોસેસના નામે દસ્તાવેજ અને પાસપોર્ટ લીધા હતા. જ્યારે નિતિન પાટીલ સાથે કામ કરતી વિજયા સાવલેએ બેંકમાં જમા નહી કરવાની ખાતરી આપીને પુજાબેન પાસેથી પ્રોસેસના નામે બે ચેક લીધા હતા.પરંતુ, કેનેડા ગયા બાદ ચેકને ડીપોઝીટ કરીને ચાર લાખ રૂપિયા લઇ લીધા હતા. આ પહેલા ચાર લાખ રોકડા લીધા હતા. આમ, જાણ બહાર ચાર લાખનો ચેક વટાવી લેતા પુજાબેને કેનેડાની ફાઇલ મુકવાની ના કહીને નાણાં, અસલી પાસપોર્ટ પરત માંગ્યા હતા. ત્યારે તેમના  વિરૂદ્ધ ચેક બાઉન્સનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. 

આમ, પુજાબેનની  અસલી પાસપોર્ટ અને આઠ લાખ રૂપિયા લીધા અંગે સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે. પેસિફિક રીલોકેશન દ્વારા અનેક લોકો સાથે આ મોડ્સ ઓપરેન્ડીથી લાખોની છેતરપિંડી કરાયાનો પણ આરોપ મુકાયો છે. જે તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.


Google NewsGoogle News