વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા
Viramgam Bees Attack: ગુજરાતના વિરમગામમાં અનોખી ઘટના બની હતી. શનિવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હવન, આરતી બાદ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક મધમાખીનું ઝૂંડ શ્રદ્ધાળુઓ પર ત્રાટક્યું અને નાસભાગ મચી ગઈ હતી. મધમાખીઓએ શ્રદ્ધાળુઓને દંશ માર્યા હતા. એક હજારથી વધુ લોકો અહીં હાજર હતા. જેમાંથી 100થી વધુ લોકો તેનો ભોગ બન્યા હતા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
પ્રસાદ સમયે અચાનક ત્રાટક્યું મધમાખીઓનું ઝૂંડ
વિરમગામ શહેરના ભોજવા વિસ્તાર નજીક સીમમાં પ્રખ્યાત શીંગડાથળ હનુમાન દાદાનું મંદિર છે. જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે સવારે હવન, આરતી સાથે અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 4 થી 5 ગામના લોકો ભેગા થયા હતાં. હવન અને આરતી સંપૂર્ણ થયા બાદ લોકો પ્રસાદ આરોગી રહ્યા હતા, આ દરમિયાન અચાનક નજીકમાંથી મધમાખીઓનું મોટું ઝુંડ આવી ચડ્યું અને અહીં હાજર શ્રદ્ધાળુઓ પર ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. અહીં અંદાજિત એક હજારથી વધુ લોકો હાજર હતાં, જેમાંથી સો જેટલી મહિલા, પુરૂષ અને બાળકોને મધમાખીએ દંશ દીધા હતા. આ નાસભાગ દરમિયાન લોકો જ્યાં જગ્યા મળે ત્યાં પોતાને બચાવવાનો પ્રયાસ કરતા હતાં. જેમાં અમુક ગોદડા નીચે સંતાઈ ગયા તો અમુક વાહનોમાં બેસી ભાગ્યા હતાં.
20થી વધુ લોકો ઈજાગ્રસ્ત
સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ ચાર એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી પીડિતોને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાંથી ગંભીર દંશવાળા 20 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તોમાં એક યુવતીના કાનમાં મધમાખી જતી રહી હતી અને તેને સંભળાવાનું ઓછું થઈ ગયું હતું. જેને તુરંત હોસ્પિટલ ખસેડી કાનમાંથી મધમાખી કાઢવામાં આવી હતી.