દ્વારકામાં ગોમતીઘાટ ડૂબ્યો, હેલિકોપ્ટરથી અપાયા ફૂડ પેકેટ: મેઘતાંડવ બાદ ગુજરાતમાં તારાજીના દ્રશ્યો

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
Gujarat Heavy Rain


Gujarat Heavy Rain : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે, ત્યારે અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે (29 ઑગસ્ટે) દ્વારકા, પાવાગઢ, રાજકોટ, વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે ગુજરાતમાં મેઘતાંડવ થવાથી અનેક વિસ્તારોમાં પ્રભાવિત થયા છે, ત્યારે રાજ્યમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની 15 ફૂટ ઊંચી વોલ તૂટી પડી છે, દ્વારકાના ગોમતી ઘાટ પર ખતરનાક વીજળી ત્રાટકી છે, દ્વારકા નગરીમાં ભારે વરસાદને લઈને જળપ્રલયના દ્રશ્યો સર્જાતા ગોમતી નદી અને દરિયો એક થવાથી ગોમતી ઘાટ સંપૂર્ણ ડૂબી ગયો છે, વડોદરા જળબંબાકાર સામે ઝઝૂમી રહ્યું હોવાના છે. ચાલો જોઈએ ક્યાં છે કેવી સ્થિતિ.

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની 15 ફૂટ ઊંચી વોલ તૂટી પડી 

રાજ્યમાં ઠેર-ઠેર ભારે વરસાદને રોડ-રસ્તા સહિત કેટલીય જગ્યા નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે રાજકોટના નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટના રન-વે પાસે 15 ફૂટ ઊંચી વોલ તૂટી પડી છે, જ્યારે ત્રણ મહિના પહેલા કેનોપી તૂટી પડી હતી. 

દ્વારકાના ગોમતી ઘાટ પર ખતરનાક વીજળી ત્રાટકી 

છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારે વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના ગોમતી ઘાટ પર ખતરનાક વીજળી ત્રાટકી હોવાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

કાળિયા ઠાકરની નગરીમાં જળપ્રલય

રાજ્યમાં અતિભારે વરસાદી માહોલ વચ્ચે અનેક જળાશયો અને નદીઓ છલકાઈ છે. આ દરમિયાન દ્વારકા નગરીમાં ભારે વરસાદને લઈને જળપ્રલયના દ્રશ્યો સર્જાયા છે, ત્યારે ગોમતી નદી અને દરિયો એક થવાથી ગોમતી ઘાટ સંપૂર્ણ ડૂબી ગયો છે. 

મહાકાળીના મંદિરે મેઘાનો જળાભિષેક

પાવાગઢમાં સારો એવો વરસાદ વરસ્યો છે, ત્યારે પાવાગઢમાં મહાકાળીના મંદિરે મેઘાનો જળાભિષેક જેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. જેમાં પાવાગઢના પગથિયાં પર જાણે નદીઓ વહી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

જળબંબાકાર સામે ઝઝૂમી રહેલું વડોદરા

છેલ્લા ત્રણ દિવસથી વડોદરા જિલ્લામાં ભયંકર વરસાદ વરસતાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. વડોદરામાં જળબંબાકાર સામે અનેક લોકો પ્રભાવિત થયા છે. જ્યાં જોઈએ ત્યાં ઠેર-ઠેર વરસાદી પાણી દેખાય છે, ત્યારે કેટલાય લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યું છે. આ દરમિયાન હરણી વિસ્તારની સોસાયટી અને એપાર્ટમેન્ટ્સમાં ત્રણ દિવસથી પાણી ભરાયેલી સ્થિતિમાં તંત્ર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. જેમાં હેલિકોપ્ટર વડે ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘકહેર વચ્ચે હવામાન વિભાગે કરી ફરી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદ

વરસાદના કારણે 35 લોકોના મોત

ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. અતિભારે વરસાદને લઈને અનેક લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કેટલાક લોકો મોતને ભેટ્યાં છે. આ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે કેટલાય અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા છે. બીજી તરફ, NDRF અને સ્થાનિક તંત્ર પણ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે વરસાદના કારણે 35 લોકોના મોત નીપજ્યાં છે.

દ્વારકામાં ગોમતીઘાટ ડૂબ્યો, હેલિકોપ્ટરથી અપાયા ફૂડ પેકેટ: મેઘતાંડવ બાદ ગુજરાતમાં તારાજીના દ્રશ્યો 2 - image


Google NewsGoogle News