Get The App

અમદાવાદ સિવિલના ICUમાં ભુવાનું ધતિંગ, દર્દીની વિધિ કરતો વીડિયો વાઈરલ થતાં હોબાળો

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
અમદાવાદ સિવિલના ICUમાં ભુવાનું ધતિંગ, દર્દીની વિધિ કરતો વીડિયો વાઈરલ થતાં હોબાળો 1 - image


Ahmedabad Civil Hospital Viral Video : ટેક્નોલૉજીના યુગમાં અમુક લોકો અંધશ્રદ્ધાની ઊંડી ખાણમાંથી હજુ બહાર ન આવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા એક દર્દી પર ભુવો તાંત્રિક વિધિ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સમગ્ર ઘટનામાં ડૉક્ટરની દવાથી નહીં પરંતુ તેમના મુકેશ ભુવાની વિધિથી દર્દી સાજો થયો હોવાનું પરિવારજનોનું કહેવું છે.

'ડૉક્ટર નહીં પણ ભુવાએ દર્દીને સાજો કર્યો'

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કડક સિક્યોરિટી હોવા છતાં આઇસીયુ વોર્ડમાં દાખલ દર્દી સુધી મુકેશ નામના ભુવાએ પહોંચીને તાંત્રિક વિધિ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. બીજી તરફ, આ મામલે અંધશ્રદ્ધામાં સપડાયેલા પરિવાજનોએ જણાવ્યું કે, 'ડૉક્ટર નહીં પણ ભુવાએ દર્દીને સાજો કર્યો છે.'

વાઈરલ વીડિયો મામલે સિવિલ હૉસ્પિટલના સુપ્રીટેન્ડન્ટએ કહ્યું કે, 'દર્દીના સગાને આપવામાં આવેલા પાસનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. વીડિયોમાં જોવા મળી રહેલો દર્દી વેન્ટીલેટરમાં સારવાર હેઠળ છે, જે સાજો થઈ રહ્યો છે. જ્યારે કોઈ વિધિ કે માન્યતાથી દર્દી સાજો થયો હોવાનું કહેવું તે અંધશ્રદ્ધા છે. આગામી સમયમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.'

આ પણ વાંચો: ભરૂચ દુષ્કર્મ કેસ: ઝારખંડ સરકારના મંત્રીએ બાળકી-પરિવારજનો સાથે કરી મુલાકાત, પીડિતાની હાલત નાજુક

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું?

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'દર્દીના સગા-સંબંધીના પાસ લઈને લોકો હૉસ્પિટલમાં જતા હોય છે. મેં પણ વીડિયો જોયો છે. એ ભાઈ રાતના સમયે જઈને કંઈક વિધિ કરતાં હોવાનું માલુમ પડ્યું છે. અંધશ્રદ્ધા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હૉસ્પિટલના સુપ્રીટેન્ડન્ટને સૂચના આપવામાં આવી છે.'


Google NewsGoogle News