અમદાવાદઃ બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી પડતાં 7 મજૂરોના મોતની ઘટનાનો વીડિયો આવ્યો સામે
- દુર્ઘટનાના 2 કલાક બાદ તે સ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડે તેમને મીડિયા દ્વારા આ અંગેની જાણ થઈ હોવાની માહિતી આપી હતી
અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર
અમદાવાદમાં બુધવારના રોજ ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી પડવાના કારણે 7 મજૂરોના કરૂણ મોત થયા હતા. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં 9:39 મિનિટે 2 મજૂરો ઉપરથી નીચે પટકાતા દેખાય છે.
શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગતો પ્રમાણે એસ્પાયર-2 બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. 13મા માળે લિફ્ટના શાફ્ટનું ધાબું ભરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે સેન્ટિંગ તૂટવાના કારણે 8 મજૂરો સીધા જ માઈનસ-2 સુધી ખાબક્યા હતા. 8 મજૂરો કામચલાઉ લિફ્ટ પર ચડીને કામ કરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. સૌ પ્રથમ 2 મજૂરો ગ્રાઉન્ડ પ્લોર પર ખાબક્યા હતા અને આસપાસના લોકો તેમની મદદે દોડી ગયા હતા.
વધુ વાંચોઃ એસ્પાયર બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડવાની ઘટના, મીડિયાએ આવીને ફાયર બ્રિગેડને કરી જાણ
ત્યાર બાદ થોડો સમય રહીને તપાસ કરવામાં આવતા બેઝમેન્ટમાંથી બીજા 4 મજૂરો મળી આવ્યા હતા અને બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાંથી પણ અન્ય 2 મજૂરો મળી આવ્યા હતા. કુલ 8 પૈકીના 7 મજૂરોના મોત થયા હતા જ્યારે એક મજૂર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં મૃત્યુ સામે જંગ લડી રહ્યો છે.
આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાઈટ કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, સબ કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને કિરીટ પટેલ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરીને વધુ તપાસ આરંભી છે. પોલીસે આ મામલે આઈપીસીની 304, 114 કલમ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સેન્ટીંગ કામ કરતા સમયે સર્જાઈ કરૂણાંતિકા, મ્યુનિ.તંત્રે બાંધકામ માટે અપાયેલી રજા ચિઠ્ઠી સ્થગિત કરી