કરોડોની છેતરપિંડી મામલે પાલડી પોલીસે કાર્યવાહી ન કરતા કોર્ટમાં અરજી
આરોપીઓ વગ ધરાવતા હોવાનો આક્ષેપ
પાલડી યોગેશ્વર સોસાયટીમાં રહેતા યુવકને ઓસ્ટ્રેલિયા મોકલી સાથે તેના સાસરિયાઓએ છેતરપિંડી આચરી હતી
અમદાવાદ,રવિવાર
શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકને બિઝનેસ માટે ઓસ્ટ્રેલિયા મોકલીને તેની સાથે ધંધાકીય છેતરપિંડી કરવાના મામલે નોંધાયેલા કેસમાં પાલડી પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા કોર્ટમાં દાદ માંગવામાં આવી છે. જેમાં કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેતરપિંડીના કેસમાં પોલીસ દ્વારા અગાઉ પણ કોઇ કાર્યવાહી ન થતા કોર્ટના હુકમ બાદ પાલડી પોલીસે ગુનો નોંધ્યો હતો. પરંતુ, કેસ અંગે કાર્યવાહી ન થતા ફરિયાદીને હવે ફરીથી કોર્ટના શરણે જવું પડયું છે. પાલડીના યોગેશ્વનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર પટેલને પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રેલિયા મોકલીને તેની સાથે તેના સસરા કાંતિભાઇ પટેલ, પત્ની, સાળા સહિત ચાર વ્યક્તિઓએ ધંધાકીય છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પરંતુ, ગુનામાં ગંભીર કલમો હોવા છતાંય, પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ કે ક્રાઇમબ્રાંચને સોંપવા માટે ડીજીપી અને પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે બે આરોપીઓ ઓસ્ટ્રેલિયાના પીઆર ધરાવતા હોવાથી તે ધરપકડ ટાળવા નાસી જઇ શકે છે. પરંતુ, હજુ સુધી પોલીસે કોઇ સંતોષકારક કાર્યવાહી ન કરતા સમગ્ર મામલે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે વિરેન્દ્ર પટેલે જ્યારે એક વર્ષ અગાઉ ફરિયાદ નોંધવા માટે પુરાવા સાથે અરજી કરી હતી ત્યારે પોલીસે ફરિયાદ લેવાનું ટાળ્યું હતું. ત્યારબાદ કોર્ટે ગંભીર નોંધ લઇને ફરિયાદ નોંધવાનો ઓર્ડર કરતા ગુનો નોંધાયો હતો. જો કે ફરિયાદ નોંધાયા બાદ પાલડી પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. જેથી ફરીથી તપાસ શરૂ થાય તે માટે કોર્ટમાં દાદ માંગવામાં આવી છે.