બાપુનગર પોલીસને ધમકી આપનારા વિકી ત્રિવેદીને આખરે ભાજપમાંથી હાંકી કઢાયો
અમદાવાદ, તા. 1 ઓક્ટોબર 2019 મંગળવાર
યુવા મોરચાના હોદેદારો વિકી ત્રિવેદીનો બાપુનગરની પોલીસને ધમકી આપતો તેમજ બિભત્સ ગાળો બોલતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પ્રદેશ ભાજપના નેતાઓ સફાળા જાગ્યા છે. વીડિયો વાયરલ થયાના એક કલાક પછી જ પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે આ મુદ્દે લાંબી ચર્ચા વિચારણા કરી હતો.
જેમાં સંગઠન મંત્રી ભીખુ દલસાણીયાનો પણ અભિપ્રાય લેવાયો હતો. આખરે એવું નક્કી કર્યું હતું કે જાહેરમાં આટલુ ખરાબ વર્તન કરનાર વિકી ત્રિવેદી સામે પગલા લેવા જોઈએ. ત્યાર બાદ ભાજપા યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વિકી ત્રિવેદી (બાપુનગર-અમદાવાદ)ની વર્તણુંક અને આચરણ સારું ન હોવાના કારણે તેઓને ભાજપા યુવા મોરચાની તમામ જવાબદારીઓમાંથી મુકત કરવાનો નિર્ણય કર્યો હતો.
ભાજપ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જોકે જારી કરેલા પત્રમાં એવી કોઈ સ્પષ્ટતા નથી કે વિકી ત્રિવેદીને ભાજપમાંથી પણ હાંકી કઢાયો છે કેમ? આ સંદર્ભમાં ભાજપના સત્તાવાર સૂત્રો જણાવે છે કે વિકી ત્રિવેદીને ભાજપમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો છે. હવે તે ભાજપનો સભ્ય પણ રહેતો નથી.