UAE પ્રેસિડેન્ટ-મહાનુભાવોને 'વાઈબ્રન્ટ ભારત થાળી' પીરસાશે, રાષ્ટ્રપ્રમુખ માટે હોટલ લીલામાં પ્રેસિડેન્ટ સ્યુટ સજ્જ કરાયો
- વાઇબ્રન્ટ ગુજરાતમાં 4 હજારની ગુજરાતી થાળી
- હોટલમાં જ ભારત - યુએઇ વચ્ચે દ્વિપક્ષીય રાજદ્વારી બેઠક
અમદાવાદ, તા. 09 જાન્યુઆરી 2024, મંગળવાર
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં યુએઇ પ્રેસિડેન્ટ સહિતના મહાનુભાવોને વિવિધ ગુજરાતી વ્યંજનો સ્વાદ માણવા મળશે. ગુજરાતી વ્યંજનોની થાળીને વાઇબ્રન્ટ ભારત થાળી નામ અપાયુ છે. ટેસ્ટ ઓફ ગુજરાત થીમ આધારે લંચ-ડિનરમાં વિવિધ ગુજરાતી વાનગીઓ પિરસવામાં આવશે.
'ટેસ્ટ ઓફ ગુજરાત' થીમ આધારે લંચ-ડિનર મિલેટ-હોમ મેડ કુકિઝનો સ્વાદ માણવા મળશે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 30થી વધુ દેશોના મહાનુભાવો ભાગ લેવા આવનાર છે ત્યારે મહાત્મા મંદિરમાં નોનવેજ વાનગી પર પ્રતિબંધ મૂકાયો છે. દર વખતની જેમ આ વખતે પણ મહાનુભાવો માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ ગુજરાતી વ્યંજનો સાથેની વાઇબ્રન્ટ ભારત ગુજરાતી થાળીની કિંમત અંદાજે ચારેક હજારની છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ દિવસે યુએઇના રાષ્ટ્ર પ્રમુખથી માંડીને અન્ય વીવીઆઇપી માટે ગુજરાતી વ્યજનો પિરસાશે જેમ કે, બદામના શોરબા,ચમેલિયા બ્લોસમ અને ઇન્ટર્નલ સનરાઇઝ નામના વેલકમ ડ્રીન્ક પિરસાશે.
મહાનુભાવોને ટેસ્ટ ઓફ ગુજરાત થીમ આધારે પિરસાનાર વિવિધ ગુજરાતી વ્યંજનોનુ લિસ્ટ
વાટીદાળના ખમણ
રાગીના હોમમેડ કુકિઝ
દાલ અવધિ
ઘુઘરા
રાજભોગ શ્રીખંડ
આલુ લબાબદાર
ખાંડવી
સબજી દમ બિરયાની
બદામનો શોરબો
લીલવાની કચોરી
ચીકુ પિસ્તાનો હલવો
હોમ સ્ટાઇલ ફુલકા
ગાજર-તજનો કેક
આલુ મિર્ચ-અમૃતસરી કુલચા
UAE રાષ્ટ્રપ્રમુખ માટે હોટલ લીલામાં પ્રેસિડેન્ટ સ્યુટ સજ્જ કરાયો
ચાર વર્ષ બાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-24 યોજાવવા જઇ રહી છે. આ સમિટમાં ભાગ લેવા યુએઇના રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નાહયાન આવી રહ્યા છે જેના પગલે પાટનગર ગાંધીનગરમાં ફાઇવ સ્ટાર હોટલ લીલામાં પ્રેસિડેન્ટ સ્યુટ સજ્જ કરાયો છે.એટલુ જ નહીં, પ્રેસિડેન્ટ સ્યુટને નવો લૂક અપાયો છે. હોટલમાં જ વડાપ્રદાન નરેન્દ્ર મોદી અને શેખ મહંમદ બીન ઝાયેદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય રાજદ્વારી બેઠક પણ યોજાનાર છે.
આજે વડાપ્રધાન મોદી એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપ્રમુખને આવકારશે, હોટલ નજીક NSG કમાન્ડોએ મોરચો સંભાળ્યો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનુ કાઉન્ટ ડાઉન શરૃ થયુ છે. તા,10મીએ સવારે સાડા નવ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃતિનુ ઉદઘાટન થનાર છે જેના પગલે આજથી દેશવિદેશથી મહાનુભાવોનુ અમદાવાદ એરપોર્ટ પર આગમન શરૃ થયુ છે. મંગળવારે બપોરે યુએઇના રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નાહયાન પણ અમદાવાદ આવી પહોચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર યુએઇના રાષ્ટ્રપ્રમુખને આવકારશે. એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ એરપોર્ટથી ઇન્દીરાબ્રિજ સુધી ભવ્ય રોડ શો યોજાશે. ઉલ્લેખનીય છેકે, છેલ્લી ઘડીએ રોડ શોના રૃટમાં ફેરફાર કરાયો છે. યુએઇના રાષ્ટ્ર પ્રમુખની સિક્યુરીટીના જવાનોએ પણ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે.
રોડ શો બાદ બંને મહાનુભાવો કાફલા સાથે સીધા ગાંધીનગર પહોંચશે. વડાપ્રધાન રાજભવન જશે જયારે યુએઇના રાષ્ટ્રપ્રમુખ મહાત્મા મંદિર પાસે હોટલ લીલામાં રાત્રિ રોકાણ કરશે. સૂત્રોના મતે, શેખ મહંમદ બીન ઝાયેદ અલ નાહયાન માટે હોટલ લીલામાં લકઝુરિયસ પ્રેસિડેન્ટ સ્યુટ સજજ્ કરાયો છે. આ સ્યુટમાંથી મહાત્મા મંદિરનો લૂક જોઇ શકાશે. તા.10મીએ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નાહયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે. આ ઉપરાંત હોટલ લીલામાં જ વડાપ્રધાન મોદી- શેખ મહંમદ બીન ઝાયેદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય રાજદ્વારી બેઠક યોજાશે.
યુએઇના રાષ્ટ્રપ્રમુખના આગમનને પગલે હોટલ લીલાની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એટલુ જ એનએસજી કમાન્ડોએ સમગ્ર વિસ્તારનો કબજો મેળવી લીધો છે.