લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ, કોંગ્રેસ-ભાજપના નેતાઓએ એકબીજા પર રૂપિયા ઉડાવ્યા
Gopal Sadhu Lok Dayro : ગુજરાતમાં લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ અવાર-નવાર થતો રહે છે. પરંતુ, આ વખતે વેરાવળમાં યોજાયેલા લોકડાયરામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજાની સામે ચલણી નોટો ઉડાડતાં હોય તેવો વીડિયો સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાના વતન આદ્રી ગામે ગૌશાળાના લાભાર્થે આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માજી કેબિનેટ મંત્રી જશા બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દર પીઠિયા, મહામંત્રી દિલીપસિંહ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ જયકર ચોટાઈ સહિતના પીઢ નેતાઓ એકબીજા પર રીતસરનો નોટોનો વરસાદ કરતા હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.
ઘોર કરી ગાયોની સેવામાં મદદ
ગુજરાતમાં ડાયરામાં પૈસા ઉડાડવાની પ્રથા ખૂબ જ સામાન્ય છે, જેને દેશી ભાષામાં 'ઘોર' કહેવાય છે. વેરાવળમાં ડાયરા કલાકારક ભજનિક ગોપાલ સાધુ પર રાજકીય, સામાજિક આગેવાનો તેમજ યુવાનોએ ગૌ સેવા માટે ઘોર કરી કલાકારને બિરદાવ્યા હતા. આ અંગે પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાએ કહ્યું કે, 'ડાયરામાં ઘોર કરી ગાયોની સેવા કાર્યમાં પૈસા વપરાશે તેના માટે ગૌ ભક્તોએ ડાયરામાં પૈસાનો વરસાદ કર્યો હતો.'