ખ્યાતિ હોસ્પિટમાં PMJAY હેઠળ થયેલા ઓપરેશનની વિગતો મંગાવાઇ
ડૉ. પ્રશાંત વઝીરાનીને સાથે રાખી ફરીથી હોસ્પિટલમાં તપાસ કરાઇ
પોલીસે બોરીસણા ગામે ભોગ બનનારના પરિવારજનો સહિત ૧૭ લોકોના નિવેદન નોંધ્યાઃ અન્ય આરોપીઓને પકડવા માટે સમગ્ર રાજ્યની પોલીસને સુચના
અમદાવાદ,શનિવાર
ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ આર્થિક ફાયદો કરવાના ઇરાદે ખોટી રીતે કરવામાં આવેલી એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કાંડમાં બે વ્યક્તિઓના મોતના મામલે વસ્ત્રાપુર પોલીસે શનિવારે ડૉ. પ્રશાંત વઝીરાનીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરી હતી. સાથેસાથે ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી પીએમજેએવાય હેઠળ કરવામાં આવેલા ઓપરેશનની વિગતો પણ આરોગ્ય વિભાગ પાસેથી મંગાવી છે. જે તપાસ માટે મહત્વની કડી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત, બોરીસણા ગામે પોલીસે ૧૭ જેટલા લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા. એસ જી હાઇવે બોડકદેવ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવાના ઇરાદે ખોટા રિપોર્ટ બનાવીને બોરીસણા ગામના ૧૯ જેટલા દર્દીઓ પૈકી ૧૭ને એન્જિયોગ્રાફી અને બે વ્યક્તિને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં એન્જિયોપ્લાસ્ટીના બે દર્દીના મોત થતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે ડૉ. પ્રશાંત વઝીરાનીની ધરપકડ કરીને શનિવારે ફરીને તેમને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ મોટાભાગની સર્જરી ડૉ. પ્રશાંત વઝીરાની દ્વારા કરવામાં આવી હોવાથી પોલીસ તપાસમાં આ વિગતો મહત્વની સાબિત થશે તેમ પોલીસ સુત્રોનું માનવુ છે. બીજી તરફ પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં પીએમજેએવાય હેઠળ થયેલી તમામ સર્જરી અને ચુકવવામાં આવેલા નાણાંની વિગતો ગાંધીનગર આરોગ્ય વિભાગ પાસેથી મંગાવી છે. સાથેસાથે શનિવારે પોલીસે કડીના બોરીસણા ગામમાં ૧૭ લોકોના નિવેદન નોંધ્યા હતા. આ ઉપરાંત, ડૉ. ચિરાગ રાજપુત સહિતના અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ડીજીપી વિકાસ સહાયે રાજ્યના અન્ય જિલ્લાની પોલીસ તેમજ અન્ય રાજ્યોની પોલીસને જાણ કરવા માટે તાકીદ કરી છે.