ખ્યાતિ હોસ્પિટલમાંPMJAY હેઠળ ચાર વર્ષમાં ૩૫૦૦ ઓપરેશન કરાયા
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો
વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંત વઝીરાનીનાના આનંદનગર સ્થિત ક્લીનીકમાં તપાસ કરી મહત્વના દસ્તાવેજો મેળવ્યાઃ અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠ સામે આવી
અમદાવાદ,રવિવાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઇઓ ચિરાગ રાજપુતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ે ચાર વર્ષમાં ૩૫૦૦ જેટલા ઓપરેશન કરીને સરકાર પાસેથી ખોટી રીતે ૨૫ કરોડથી વધારેની રકમ સરકાર પાસેથી લીધી હતી. બીજી તરફ પોલીસે આરોપી ડૉ. પ્રશાંત વઝીરાનીના આનંદનગરમાં આવેલા ક્લીનીકમાં સર્ચ ઓપરેશન કરીને કેટલાંક મહત્વના દસ્તાવેજો જપ્ત કરવાની સાથે તેની અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠ અંગેની વિગતો મેળવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવાના કેસની તપાસ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસ ડૉ.પ્રશાંત વઝીરાનીને સાથે રાખીને અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરી હતી. જેમાં હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઇઓ ચિરાગ રાજપુતે ડૉ. વઝીરાની અને અન્ય તબીબો સાથે મળીને ખોટા રિપોર્ટના આધારે અનેક ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું હતુ. જ્યારે રવિવારે પોલીસ ઇન્સપેક્ટર એલ એલ ચાવડાએ ડૉ.વઝીરાનીના આનંદનગરમાં આવેલા ક્લીનીક પર તપાસ કરી હતી.
જ્યાં પોલીસને કેટલાંક મહત્વના દસ્તાવેજ અને અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠના પુરાવા મેળવ્યા હતા. બીજી તરફ પોલીસે આરોગ્ય વિભાગ પાસેથી પીએમજેએવાય હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા ઓપરેશન અંગેની વિગતો મંગાવી હતી. જેનો છેલ્લાં ચાર વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં ૩૫૦૦ જેટલી સર્જરી પીએમજેએવાય હેઠળ કરીને સરકાર પાસેથી ૨૫ કરોડથી વધારેની રકમ ઉઘરાવી હતી. પોલીસનું માનવુ છે કે ૩૫૦૦ સર્જરી પૈકી મોટાભાગની સર્જરી ખોટી રીતે થવાની શક્યતા છે. જેમા આધારે પણ તપાસ કરવામાં આવશે. આમ, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.