મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે
જ્ઞાાનદા સોસાયટીમાં આગની શક્યતા મામલે સ્થાનિક લોકો જાણ કરી હોવા છતાંય, કામગીરી ન કરી
વાસણા પોલીસે સોસાયટીના ચેરમેન અને સાક્ષીઓના નિવેદન નોંધ્યાઃ કર્તવ્ય મેઘાણીના ઘરે રાતના સમયે ટ્રકમાં એસી રિપેરનો સામાન આવતો હતો
અમદાવાદ,રવિવાર
જીવરાજ પાર્કમાં આવેલી જ્ઞાાનદા સોસાયટીમાં આવેલા રહેણાંક બંગલોમાં ગેરકાયદે બનાવવામાં આવેલા એસી રિપેરના સાધનો અને ગેસના ટીનના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં માતા-પુત્રીના મોત મામલે વાસણા પોલીસે તપાસ શરૂ કરી છે. જે અનુસંધાનમાં જ્ઞાાનદા સોસાયટીના ચેરમેન તેમજ ઘટના સમયે હાજર સ્થાનિક લોકોના નિવેદન નોંધ્યા હતા. સાથે સાથે એક વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્તવ્ય મેઘાણીએ ઘરમાં એસી રિપેરના વિસ્ફોટકો સામગ્રીનું ગોડાઉન બનાવ્યાની જાણ કરતા પત્રના આધારે મ્યુનિસિપલ કોર્પોેેરેશનના જવાબદાર અધિકારીઓના નિવેદન નોંધીને તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ એફએસએલ રિપોર્ટ અને અન્ય તપાસ બાદ કર્તવ્ય મેઘાણી વિરૂદ્ધ કાર્યવાહી થશે. જીવરાજ પાર્કમાં આવેલી જ્ઞાાનદા સોસાયટીમાં આવેલી રહેણાક મકાનમાં એસીની સર્વિસના સ્પેર પાર્ટસના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં સગર્ભા માતા સરસ્વતી અને તેના ચાર વર્ષના પુત્ર સોમ્યના મોત મામલે વાસણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જેમાં સોસાયટીના ચેરમેન અને કમિટી દ્વારા અગાઉ કર્તવ્ય મેઘાણી અને તેના પિતા જગદીશ મેઘાણીને તાત્કાલિક જોખમી ગોડાઉન હટાવી લેવાની લેખિત નોટીસ , મૌખિક રજૂઆત અને મ્યુનિસિપલ કોર્પોેરેશનને એક વર્ષ પહેલા કરવામાં આવેલી લેખિતમાં રજૂઆતના મુદ્દાઓેને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગંભીરતા લીધા છે.
જે સંદર્ભમાં વાસણા પોલીસે સોસાયટીના ચેરમેન સહિત સ્થાનિક લોકોના નિવેદન નોંધવા કામગીરી શરૂ કરી છે. સાથેસાથે માર્ચ ૨૦૨૪માં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જવાબદાર અધિકારીઓની વિગતો મંગાવીને તેમને નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ત્યારબાદ બેદરકારી દાખવનાર અધિકારી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવશે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે માત્ર કર્તવ્ય મેઘાણી જ નહી પણ તેના પિતા જગદીશભાઇ પણ જવાબદાર છે. તેમને મૌકિ રીતે અનેકવાર જાણ કરવાની સાથે સોસાસટીએ ઠરાવ પસાર કરીને નોટિસ આપી હતી. તેમ છતાંય, તેમણે ગેરકાયદે ગોડાઉનમાં દિવસે દિવસે વધુને વધુ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું હતું. ઉનાળાના એસી રિપેરનું કામ વધતા તે આખી ટ્રક ભરીને માલ મંગાવતા હતા અને જોખમી રીતે સ્ટોર કરતા હતા.