Get The App

પ્રેમના પર્વનો અનોખો સંયોગ : વસંત પંચમી-વેલેન્ટાઇન્સ ડે 57 વર્ષ બાદ એક જ દિવસે ઉજવાશે

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
પ્રેમના પર્વનો અનોખો સંયોગ : વસંત પંચમી-વેલેન્ટાઇન્સ ડે 57 વર્ષ બાદ એક જ દિવસે ઉજવાશે 1 - image

image : Freepik

અમદાવાદ,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

આગામી બુધવારે અનોખો સંયોગ સર્જાવા જઇ રહ્યો છે. વાત એમ છે કે, આગામી બુધવારે મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમી અને 14 ફેબ્રુઆરી હોવાથી વેલેન્ટાઇન્સ ડેની પણ ઉજવણી થશે. વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે એકસાથે  હોય તેવું છેલ્લે 57 વર્ષ અગાઉ એટલે કે 1967માં બન્યું હતું. વણજોયા મુહૂર્ત વસંત પંચમી અને પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ગુજરાતમાંથી જ હજારો યુગલો લગ્નના તાંતણે બંધાશે. 

ગુજરાતમાંથી હજારો યુગલો લગ્નના તાંતણે બંધાશે અનેક હોટેલના રૂમ-ભાડાની કારના બૂકિંગ પણ ફૂલ

14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડે હોય તેવું છેલ્લે 1967માં બન્યું ત્યારે ભારતમાં વેલેન્ટાઇન્સ ડે પ્રચલિત પણ નહોતું. હિંદુ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી શારદા માતાની પુજા થાય છે. વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇપણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.

વસંત પંચમી નિમિત્તે ગુજરાતમાંથી જ અંદાજે પાંચ હજારથી વધુ યુગલો લગ્ન જીવનનો પ્રારંભ કરશે. જેના પગલે અમદાવાદના મોટાભાગના પાર્ટી પ્લોટ-હોલ, બેન્ડવાજા, કેટરર્સનું મહિનાઓ અગાઉ જ એડવાન્સ બૂકિંગ થઇ ગયું છે. આ અંગે એક કેટરરે જણાવ્યું કે, '6 થી 8 મહિના અગાઉ જ લગ્ન પ્રસંગ માટે અમારે ત્યાં બૂકિંગ થઇ ગયું છે. અનેક લોકો વાસ્તુ, ભૂમિપૂજન પણ કરવાના છે અને તેના માટે પણ બૂકિંગ આવી રહ્યા છે. જેના કારણે અમારે રાજસ્થાનથી વધુ સ્ટાફ બોલાવવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.' 

એક પાર્ટી પ્લોટના મેનેજરના મતે વસંત પંચમીનું હિંદુ ધર્મમાં અનેરું માહાત્મ્ય છે. આ જ દિવસે આ વખતે વેલેન્ટાઇન્સ ડે પણ હોવાથી અનેક યુગલો લગ્નજીવનને યાદગાર બનાવવા માગતા હોવાથી તેના ઉપર પસંદગી ઉતારે છે.  આ ઉપરાંત 14 ફેબ્રુઆરીના ભાડેથી કારનું પણ એડવાન્સ બૂકિંગ થઇ જતાં તે પણ નહીં મળી રહી હોવાનું સામે આવી રહ્યું છે. અનેક હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા છે.  

વર્ષ 2૦24માં લગ્નના આગામી શુભ મુહૂર્ત

ફેબ્રુઆરી : 12, 14, 18, 19, 24થી 29. 

માર્ચ : 2, 3, 4, 5, 6, 7,  11, 12

એપ્રિલ : 18, 19, 2૦, 21.

જુલાઇ : 9, 11, 12, 13, 14, 15. 

નવેમ્બર : 13, 17, 18, 22, 23, 24, 25, 26. 

ડિસેમ્બર : 2, 3, 4, 5, 1૦, 11, 13, 14. 


Google NewsGoogle News