વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો : છેલ્લા 22 કલાકમાં 4.50 ફૂટ સપાટી ઘટી
Vadodara : વડોદરામાં રવિવારની રાતથી વરસાદનો વિરામ છે. જોકે હજી વાદળીયું વાતાવરણ છે, પરંતુ ઉઘાડ છે. બીજી બાજુ વડોદરા માથે પૂરનું જે સંકટ ઉભું થયું હતું તે હવે ટળી ગયું છે, કેમકે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે સવારે 11:20 વાગે વિશ્વામિત્રીની સપાટી 20.47 ફૂટ હતી. ગઈકાલે વિશ્વામિત્રીની સપાટી ખૂબ ઝડપભેર વધતી હતી, અને ભયજનક સપાટી 26 સુધી પહોંચે તેવી શક્યતા હતી, પરંતુ વરસાદ થંભી જવાને લીધે સપાટી 25.6 ફૂટ સુધી પહોંચી હતી અને ત્યારબાદ ધીમો ઘટાડો શરૂ થયો હતો. છેલ્લા 22 કલાકમાં વિશ્વામિત્રીની સપાટી આશરે 4:50 ફૂટ ઘટી છે, જોકે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં હજી પાણી ભરેલા છે, પરંતુ નદીની સપાટી સતત ઘટતી હોવાથી ત્યાં પણ હવે પાણી ઉતરી જશે. જેથી કાંઠા વિસ્તારના લોકોને પણ રાહત થઈ છે.
સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી કહે છે કે પાણી ઉતરી ગયા બાદ રોગચાળો ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ઘનિષ્ઠ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ આજવા સરોવરની સપાટી 213.39 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદ નથી એટલે સપાટીમાં બહુ નોંધપાત્ર વધારો થતો નથી. હાલ આજવાના 62 ગેટમાંથી પાણી પણ છોડવામાં આવતું નથી.